કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું કે ‘વંદે માતરમ‘ આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિની શાશ્વત જ્યોત પ્રજ્વલિત કરે છે. આ ગીત યુવાનોમાં એકતા, દેશભક્તિ અને નવી ઉર્જાનું પ્રતીક છે. અમિત શાહે ‘વંદે માતરમ‘ ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આ નિવેદન આપ્યું હતું. આગામી એક વર્ષ માટે એક ખાસ સ્મૃતિ વર્ષ મનાવવામાં આવશે, જે ગીતની રચનાના દિવસ (૭ નવેમ્બર, ૧૮૭૫) થી શરૂ કરીને ૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી રહેશે. ગૃહમંત્રી અમિત શાહે એકસ પર લખ્યું, “વંદે માતરમ‘ ફક્ત શબ્દોનો સમૂહ નથી, તે ભારતના આત્માનો અવાજ છે. આ ગીતે બ્રિટિશ શાસન સામે રાષ્ટ્રને એક કર્યું અને સ્વતંત્રતાની ભાવનાને મજબૂત બનાવી. તેણે દેશના બહાદુર ક્રાંતિકારીઓમાં માતૃભૂમિ માટે ગૌરવ, સમર્પણ અને બલિદાનની ભાવના જાગૃત કરી.” અમિત શાહે કહ્યું કે આ ગીત આજે પણ દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે. તેમણે નાગરિકોને તેમના પરિવારો સાથે ‘વંદે માતરમ‘નું સંપૂર્ણ સંસ્કરણ ગાવાની અપીલ કરી જેથી આ ભાવના આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે.આ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીના ઇન્ડિયા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ વર્ષભર ચાલનારા રાષ્ટ્રીય ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું અને વડા પ્રધાન એક ખાસ ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ બહાર પાડયો હતો એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “વંદે માતરમ“ સૌપ્રથમ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ૭ નવેમ્બર, ૧૮૭૫ ના રોજ “બંગદર્શન” મેગેઝિનમાંથી પ્રકાશિત થયું હતું. બાદમાં તેમણે તેને તેમની પ્રખ્યાત નવલકથા “આનંદમઠ” (૧૮૮૨) માં શામેલ કર્યું. આ ગીત સંગીતકાર અને કવિ રવીન્દ્રનાથ ટાગોરે રચ્યું હતું. “વંદે માતરમ“ ભારતના સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક બન્યું અને આજે પણ દેશની સાંસ્કૃતિક, રાજકીય અને સભ્યતા ચેતનાનો અભિન્ન ભાગ છે.








































