બગસરા એસ.ટી.ડેપોના જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં બસ માર્કેટીંગ યાર્ડવાળા રસ્તેથી જતી રહેતી હોવાથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. રજૂઆત બાદ પણ હજુ સુધી યાર્ડવાળો રસ્તો બંધ ન થતા એસ.ટી.ડ્રાઈવરો માટે આ માર્ગ આશીર્વાદરૂપ બન્યો છે. બગસરામાં રસ્તાનું કામકાજ શરૂ હોવાથી બસ માટે માર્કેટીંગ યાર્ડવાળો રસ્તો ખોલવામાં આવ્યો હતો. જા કે હવે શહેરના તમામ માર્ગ પૂર્ણ થઈ જતા આ રસ્તો બંધ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ, પેસેન્જર એસો. અને પાલિકા પ્રમુખે પણ રજૂઆત કરી હતી પરંતુ રજૂઆત બાદ પણ આ માર્ગ બંધ કરવામાં આવ્યો નથી. બસ બારોબાર જતી રહેતી હોવાથી કુંકાવાવ નાકા, બંગલી ચોક, જીનપરા, હુડકો, ગોકુળપરા સહિતના વિસ્તારોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બસ બારોબાર જતી રહેતી હોય અને બારોબારથી આવતી હોવાથી આ વિસ્તારોમાં જવા માટે મુસાફરોને રીક્ષાભાડાનો ડામ લાગી રહ્યો છે. આમ, ડેપોના જવાબદાર અધિકારીની ઢીલી નીતિને કારણે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે.







































