લાઠીના મુળીયાપાટ ગામે એક મહિલાને વાતચીત તથા સંબંધનો વ્યવહાર રાખવા ધમકી આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ અંગે રંજનબેન ઉર્ફે રીનાબેન કમલેશભાઇ મારૂ (ઉ.વ.૩૨)એ સુમીતભાઇ કાંતીભાઇ બારૈયા (રહે.દામનગર) તથા રવિભાઇ બાવાજી ગૌસ્વામી (રહે.ધામેલ) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તથા બન્ને આરોપીઓ આજથી આશરે ચારેક વર્ષ પહેલા દામનગર મુકામે એક જ હિરાના કારખાનામાં હિરા ઘસતા હતા તે દરમ્યાન તેમને સુમીતભાઈ બારૈયાએ હિરા શીખવાડ્યા હતા. જેથી તેને તેમની સાથે ભાઇ બહેનનો સંબંધ હોય અને ત્યારબાદ સુમીતભાઈના મિત્ર રવિભાઈ ગૌસ્વામીને તેમની સાથે પ્રેમ સંબંધ થયો હતો. છેલ્લા એકાદ વર્ષથી તેઓ રવિભાઈ ગૌસ્વામી સાથે વાતચીત કે સંબંધનો વ્યવહાર રાખતા નહોતા. જે વાતનું મનદુઃખ રાખી બન્ને આરોપીઓ તેમના ઘરે આવ્યા હતા. તેમજ તેમને વાતચીત તથા સંબંધનો વ્યવ્હાર રાખવા દબાણ કરી ખરાબ ગાળો આપી હતી. ઉપરાંત તેમનો હાથ પકડી ઝપાઝપી કરી હતી અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.




































