ગોંડલના અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર દિન ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો હતો. મહંતસ્વામીની પ્રાતઃપૂજામાં બાળકોએ કીર્તન ભક્તિ રજૂ કરીને પોતાની કળા ગુરુ ચરણે અર્પણ કરી હતી. સાંજની સભામાં ગુરુકુળની સ્થાપનાને ૬૦ વર્ષ પૂર્ણ થતા હોઈ ષષ્ઠીપૂર્તિ ઉદ્દઘોષ સભા તરીકે ઉજવાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ક્વિઝ, સંવાદ અને નૃત્ય જેવા કાર્યક્રમો દ્વારા ગુરુફુળમાં થતી સંસ્કાર સાથે શિક્ષણલક્ષી પ્રવૃત્તિને પ્રસ્તુત કરી હતી. અંતે મહંતસ્વામી મહારાજે સૌ સંતો અને હરિભક્તોને આર્શીવચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું મહિલા કાર્યકરોએ ઠાકોરજીનો પ્રસાદ અર્પણ કરી સ્વાગત-અભિવાદન કર્યું હતું. ગોંડલના યુવા ભાજપ અગ્રણી જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા તેમજ ગોંડલ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોઠારી પૂ. દિવ્યપુરુષ સ્વામીએ તેમનું પણ સ્વાગત કર્યું હતું.




































