ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી ૨૦ શ્રેણીની ચોથી મેચ ક્વીન્સલેન્ડમાં રમાશે. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ આ શ્રેણીમાં અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. મેલબોર્નમાં રમાયેલી બીજી ટી ૨૦ મેચમાં તેણે ૩૭ બોલમાં ૬૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. અભિષેક સિવાય, ટીમ ઇન્ડિયાના બાકીના બેટ્સમેન તે મેચમાં સુપર ફ્લોપ રહ્યા હતા. ત્રીજી ટી ૨૦માં, તેણે ૧૬ બોલમાં ઝડપી ૨૫ રન પણ બનાવ્યા. દરમિયાન, ઓસ્ટ્રેલિયન સ્પિનર મેટ કુહનેમેને ચોથી ટી ૨૦ પહેલા અભિષેક શર્મા વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.મેટ કુહનેમેને ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને ખૂબ જ કુશળ બેટ્સમેન ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની ટીમ બાકીની બે મેચોમાં તેને શરૂઆતમાં આઉટ કરી શકશે. કુહનેમેને કહ્યું, “આશા છે કે, ઝેવિયર બાર્ટલેટ અથવા બેની (બેન્જામિન) દ્વારશુઇસ જેવો ઝડપી બોલર તેને શરૂઆતની ઓવરોમાં આઉટ કરી શકશે. અભિષેક ખૂબ જ પ્રતિભાશાળી બેટ્સમેન છે અને પ્રથમ બોલથી આક્રમક રીતે રમે છે. ગુરુવારની મેચ ખૂબ જ રોમાંચક હશે, પરંતુ અમે તેને સસ્તામાં આઉટ કરવાની આશા રાખીએ છીએ.” કુહનેમેને વધુમાં જણાવ્યું કે ભારત હવે ઓસ્ટ્રેલિયાની શૈલીમાં ક્રિકેટ રમી રહ્યું છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે તેઓ જે રીતે રમી રહ્યા છે તે કંઈક અંશે આપણા જેવું જ છે. ભારત પણ શરૂઆતથી જ આક્રમક રહ્યું છે. મને લાગે છે કે વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવી બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે.” શ્રેણીનો ત્રીજા ટી ૨૦ મેચ હોબાર્ટમાં રમાયો હતો, જ્યાં ટીમ ઇન્ડિયાએ ૫ વિકેટથી જીત મેળવી હતી.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણી હાલમાં ૧-૧થી બરાબર છે. શ્રેણીનો પહેલો મેચ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજા વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે વાપસી કરી અને ત્રીજી મેચ જીતીને શ્રેણી ૧-૧થી બરાબર કરી દીધી. હવે, બાકીની બે મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. બંને ટીમો આ મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં, ટીમ ઇન્ડિયા ત્યાં કેવું પ્રદર્શન કરે છે તે જાવું રસપ્રદ રહેશે.













































