સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદાનો દુરુપયોગ વધી રહ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે આ કાયદાનો ઉપયોગ ઘણીવાર પતિ-પત્ની વચ્ચેના વિવાદો અથવા કિશોરો વચ્ચેના સંમતિપૂર્ણ સંબંધોને ઉકેલવા માટે થાય છે, જે કાયદાની સાચી ભાવનાની વિરુદ્ધ છે. ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચ દેશમાં મહિલાઓ અને છોકરીઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે બળાત્કાર અને પોક્સો કાયદાની જાગવાઈઓ વિશે જાગૃતિ લાવવા માટે જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરી રહી હતી.સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું, “અમે જાઈ રહ્યા છીએ કે કિશોરો વચ્ચેના વિવાદો અથવા સંબંધોને ઉકેલવા માટે પોક્સો કાયદાનો વારંવાર દુરુપયોગ થઈ રહ્યો છે. તેથી, છોકરાઓ અને પુરુષોમાં આ કાયદાની જાગૃતિ અને સમજ વધારવી મહત્વપૂર્ણ છે.”સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૨ ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે, કારણ કે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી આ મુદ્દા પર પોતાના મંતવ્યો રજૂ કર્યા નથી. અગાઉ, કોર્ટે કેન્દ્ર સરકાર, શિક્ષણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને નોટિસ ફટકારી હતી, જેમાં તેમના જવાબો માંગવામાં આવ્યા હતા. વરિષ્ઠ વકીલ આબાદ હર્ષદ પોંડાએ કોર્ટને જણાવ્યું હતું કે નિર્ભયા ઘટના પછી બળાત્કાર કાયદામાં થયેલા ફેરફારો વિશે જનતાને માહિતી આપવી મહત્વપૂર્ણ છે.જનહિત અરજીમાં માંગ કરવામાં આવી છે કે શિક્ષણ મંત્રાલય તમામ શાળાઓને મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કાયદાઓનું મૂળભૂત જ્ઞાન આપવા માટે નિર્દેશ આપે. બાળકોને લિંગ સમાનતા, મહિલા અધિકારો અને ગૌરવપૂર્ણ જીવનના મહત્વ વિશે શીખવવા માટે અભ્યાસક્રમમાં નૈતિક શિક્ષણનો સમાવેશ થવો જાઈએ. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સીબીએફસીએ ખાતરી કરવી જાઈએ કે ફિલ્મો અને મીડિયા દ્વારા બળાત્કાર જેવા ગુનાઓના પરિણામો અને સજાઓ વિશે જનતાને જાગૃત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે છોકરીઓની સુરક્ષા ફક્ત કાયદાઓ દ્વારા જ નહીં, પરંતુ સમાજની માનસિકતામાં ફેરફાર દ્વારા પણ શક્ય છે, અને આ પરિવર્તન શાળા સ્તરેથી શરૂ થવું જાઈએ.