રાજુલા શહેરમાંથી ૨૪ દિવસ અગાઉ ગુમ થયેલા ૪૨ વર્ષીય સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. સુરેશભાઈ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ગુમ થયા હતા, જે અંગે તેમના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. રાજુલા પી.આઈ. એ.ડી. ચાવડાની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરતા એક શખ્સને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં એક વોકળામાં ફેંકી દીધાનું જણાવ્યું હતું. આરોપીની કબૂલાત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વોકળામાંથી બાંધેલી હાલતમાં લાશ શોધી કાઢી હતી, જેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક સુરેશભાઈના આરોપીની પત્ની સાથેના પ્રેમસંબંધના કારણે આ હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. રાજુલા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






































