દિવાળી પછીના નૂતન વર્ષના અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવશે. બંને નેતાઓ બુધવારે, નવા વર્ષના દિવસે, ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ સ્થળોએ પ્રજાજનો સાથે શુભેચ્છાની આપ-લે કરશે.કાર્યક્રમની રૂપરેખા મુજબ, મુખ્યમંત્રી બુધવારે વહેલી સવારે ૭ વાગ્યે ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરશે. ત્યારબાદ સવારે ૭.૩૦ વાગ્યે અડાલજ શ્તિત ત્રિમંદિર ખાતે જઈ દર્શન પૂજન કરશે. ત્રિમંદિર ખાતે તેઓ સ્વામિનારાયણ, શંકરાચાર્ય અને તિરુપતિ બાલાજીના મંદિરોના દર્શન કરીને શુભેચ્છાઓ પ્રાપ્ત કરશે.ત્યારબાદ સવારે ૮ વાગ્યે ગાંધીનગરના મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે નાગરિકો, અધિકારીઓ અને પ્રજાજનો સાથે શુભેચ્છાની આપ-લે કરશે. દર વર્ષે નવા વર્ષની સવારે મંત્રીમંડળ નિવાસ સંકુલ ખાતે નાગરિકો મુખ્યમંત્રીને મળવા માટે ઉમટી પડે છે. હજારો લોકો શુભેચ્છા આપવા અને સેલ્ફી લેવા માટે હાજર રહે છે.પછી સવારે ૮.૫૦ વાગ્યે મુખ્યમંત્રી રાજભવન ખાતે જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે શુભેચ્છા આપ-લે બાદ બંને નેતાઓ રાજ્યના વિકાસ અને લોકકલ્યાણ માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે.મુખ્યમંત્રી બાદમાં સવારે ૧૦ વાગ્યે અમદાવાદની ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે જશે. ત્યારબાદ ૧૦.૩૦ વાગ્યે શાહીબાગ શ્તિત એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરશે.રાજ્યના રાજકીય વર્તુળો મુજબ, નવા વર્ષના આ પ્રસંગે મુખ્યમંત્રી અને મંત્રિમંડળના સભ્યો વચ્ચે શુભેચ્છાની આપ-લે સાથે નવા વર્ષની રાજકીય શરૂઆત પણ થશે. નવી કેબિનેટ રચના પછી આ નવું વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આવતા મહિને વિધાનસભા સત્ર અને કેટલીક નીતિગત જાહેરાતો પણ શક્ય છે.