બાબરા તાલુકામાં છેલ્લા થોડા દિવસોમાં ઘરફોડ ચોરીની ઘટના બનતા સ્થાનિક પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જેથી આ ચોરોને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાએ આદેશ આપતા એલસીબી પોલીસે ત્રણ તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ૧૬ દિવસ પહેલા બાબરાના વલારડી ગામે બંધ રહેણાંક મકાનમાંથી માતાજીના મઢની લોખંડની ગ્રીલનું તાળું તોડી દાન પેટીમાંથી રોકડ રકમ અને માતાજીની મૂર્તિ પર રાખેલ બે ચાંદીના છત્તર, સોનાના છત્તરની ચોરી કરી હતી તો ૧ર દિવસ પહેલા ગરણી ગામે રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. પાંચ દિવસ પહેલા નડાળા ગામે એક માતાજીના મઢની ગ્રીલનું તાળું તોડી માતાજીની મૂર્તિ પર રાખેલા ૨૦ જેટલા નાના મોટા છત્તર ની ચોરી કરી હતી. જેથી બાતમીના આધારે એલસીબી પોલીસે માનસિંહ ખમસિંહ પરવડીયા, રાજકુમાર રામસિંગ રાવત અને મનોજ રામસિંગ રાવત તમામ રહે. મધ્યપ્રદેશ હાલ બાબરાના ઊંટવડ ગામની સીમવાળાઓને ઝડપી પાડી પોલીસે તસ્કરો પાસેથી રૂ.૧૪૦૦૦ રોકડા મોટરસાયકલ નંગ બે અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮૯૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.









































