અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ જેબલીયાએ ટેકાના ભાવે મગફળીની તાત્કાલિક ખરીદી શરૂ કરવા અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, દરેક માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયેલ છે. ખેડૂતો ખુલ્લા યાર્ડમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. હજુ સુધી સ૨કા૨ તરફથી કેટલી મગફળી ખરીદવી તેની કોઈ જાહેરાત ક૨વામાં આવેલ નથી. ટેકાના ભાવે ખેડૂતોની જણસ ખરીદવા અગાઉથી આયોજન થવું જોઈએ. ખેડૂતોને દીવાળી જેવો તહેવાર હોવાથી બધા જ બિલ ચુકવવાના કોઈ હાલ રૂ.૮૦૦ થી ૧૦૦૦માં મગફળી વેચાય રહી છે તેથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આથી સરકારને વિનંતી છે કે હેકટર દિઠ-૫૦ મણ ખરીદી અથવા ખાતા દિઠ-૨૦૦ મણ મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરે. આ ઉપરાંત તાલુકા દિઠ બે ખરીદી કેન્દ્ર શરૂ કરવા, બારદાન, ટ્રાન્સપોર્ટિંગની અન્ય જરૂરી વ્યવસ્થા કરવાની જરૂર છે. ૨૦૨૪ કપાસના પાકને કમોસમી વ૨સાદને હિસાબે થયેલ નુકસાનનું વળતર ચૂકવવા સરકારે જાહેરાત કરેલ છે. તેમાં અમુક તાલુકામાં જ ખેડૂતોના ખાતામાં હેકટર દિઠ રૂ.૧૧૦૦૦ બે હેકટરની મર્યાદામાં રૂ.૨૨૦૦૦ ચુકવવાનો જે નિયમ કરેલ છે તે ઝડપની ચુકવવામાં આવે. રાજુલા-ખાંભા-જાફરાબાદ તેમજ અમુક તાલુકાના જે ગામો રહી ગયા છે તેનો સમાવેશ કરવામાં આવે. ખેડૂતોને ગ્રામ્ય સેવા સહકારી મંડળી તેમજ બેંકમાંથી પાક ધિરાણ ત્રણ લાખની મર્યાદા કરતાં વધારે લીધેલ હોય તેનું વ્યાજ સદંતર માફ કરવામાં આવે તેવા વિવિધ મુદ્દે રજૂઆત કરી છે. આ પત્રની નકલ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, ગૃહમંત્રી, જિલ્લાના સાંસદ અને જિલ્લાના તમામ ધારાસભ્યોને મોકલી છે.
સરકાર ખેડૂતોના પ્રશ્નો નહી સાંભળે તો આંદોલનની ચીમકી
અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ જેબલીયાએ જણાવ્યું કે, જો સરકાર ખેડૂતોના આ પ્રશ્નો નહીં સાંભળે તો કિસાન સંઘ દ્વારા આગામી સમયમાં આંદોલનની રણનીતિ જાહેર કરવામાં આવશે. તેમણે સરકાર પર આયાત-નિકાસ નીતિ પર ધ્યાન ન આપવાનો અને ખેડૂતોની વેદના સાંભળવા માટે સમય ન હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.





































