વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેઓ કેવડિયામાં યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે અને અનેક વિકાસના પાયાના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીએ સમગ્ર કેવડિયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે જે દ્રષ્ટિકોણ અપનાવ્યો છે, તે અનુસાર કુલ ૮૦૦ થી ૯૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મોદીની મુલાકાત દરમિયાન ૨૬૭ કરોડના ખર્ચે બનાવવામાં આવનારા વિશાળ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે રાજવી પરિવારોના યોગદાનને અર્જુંમાન આપશે. આ મ્યુઝિયમ અંદાજે ૫ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું હશે અને ગુજરાતના ઐતિહાસિક વારસાને જીવંત બનાવશે.બોન્સાઈ પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે, જે કુદરતી સૌંદર્યમાં નવા આયામ ઉમેરશે. નર્મદા ઘાટ એક્સ્ટેન્શનનું પણ લોકાર્પણ થશે, જે પ્રવાસીઓ માટે વધુ વ્યવસ્થિત અને ભવ્ય અનુભવ સુનિશ્ચિત કરશે. આ સાથે શૂરવીર બાળકોની યાદમાં વીર બાળ ઉદ્યાનનું ખાતમુહૂર્ત પણ મોદીના હસ્તે કરવામાં આવશે.









































