પોતાના દુઃખ દર્દ ઢાંકીને બીજાને ખુશ રાખવા ચહેરા પર સ્મિત રાખવું એ માનવતાની અતિ શ્રેષ્ઠ કલા છે. હૈયામાં દુઃખના ડુંગરને દબાવી રાખીને સામે મળેલ સ્નેહીને સ્મિત આપી શકવું એ ઈશ્વરને પ્રસન્ન કરવાનો અવસર છે કેમકે ઈશ્વર તો સૃષ્ટિના કણ કણમાં અને દરેક મનુષ્યના હૃદયમાં બિરાજમાન હોય છે. જીવનના રંગમંચ પર કેટલાંક લોકો એવા હોય છે, જેઓ બીજાને હસાવવાની અદ્ભુત કલા ધરાવે છે. તેમની ઉપસ્થિતિ માત્ર વાતાવરણને હળવું નથી કરતી, પણ આસપાસના હૃદયો પર આશાવાદના કિરણો વરસાવે છે. તેમની વાતોમાં એવી ચમત્કારિક શક્તિ હોય છે કે થાકેલો માણસ પણ સ્મિત કરવાનું શીખી જાય. આવા લોકોને ઈશ્વરે ખાસ એ માટે જ બનાવ્યા હોય કે મનુષ્ય સ્મિત કરતો રહે અને દુનિયા હળવી રહે. પરંતુ આ હાસ્ય પાછળ છુપાયેલું તત્વ ઘણી વાર લોકો સમજી શકતા નથી. હસવાની કલા ધરાવતા લોકોનું હૃદય સામાન્ય રીતે ખૂબ નાજુક હોય છે. તેઓ પોતાના દુઃખ પર રડવાના બદલે, હસીને એને જીતી લેવાની રીત પસંદ કરે છે. હસાવવું એ એક માત્ર મજાક કે વિનોદ નથી, પણ અમુક દેવદુર્લભ વ્યક્તિઓની એક સ્વભાવગત અનોખી લાક્ષણિકતા હોય છે. હસાવનાર વ્યક્તિ બીજાને ખુશ રાખવા માટે કે પોતાના અંગત લોકો દુઃખી ન થાય એ માટે, પોતાના મનના દુઃખોને અંતરમાં દબાવી રાખીને બીજાના મનમાં આનંદ જગાવે છે. જ્યારે મનમાં અનેક પ્રશ્નોરૂપી તોફાન ચાલતું હોય ત્યારે એ લોકો બીજાને હસાવીને પોતે પણ હળવા થવા પ્રયત્ન કરતા હોય છે. તેમની ખુશીનું રહસ્ય એ નથી કે તેમને કષ્ટ નથી, પરંતુ એ છે કે તેમણે કષ્ટને હાસ્યથી હરાવવાનું શીખી લીધું છે. પોતાનું દુઃખ છુપાવી રાખીને બીજાના ચહેરા પર સ્મિત લાવવાની શક્તિ દરેકને નથી મળતી. એ એક એવા સાધકની નિશાની છે, જે દુઃખને પણ ભક્તિમાં ફેરવી દે છે.
આપણી આસપાસ પણ આવો એકાદ મિત્ર, પાડોશી કે સંબંધી હોય જ, જે હર હાલમાં હસતો રહેતો હોય અને બધા માટે આનંદનો સ્ત્રોત હોય છે. એક વાર એક હંમેશા હસતો મિત્ર મળ્યો. બધાને આનંદ આપતો, મજાક કરતો. એક દિવસ જાણ્યું કે એ મિત્ર પોતાનાં જીવનમાં ભારે આર્થિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો છતાં પણ રોજ હસતો, બીજાને પ્રેરણા આપતો. જ્યારે પૂછ્યું, “તું હંમેશાં એટલો ખુશ કેવી રીતે રહે છે?” તો એ હળવું સ્મિત કરીને બોલ્યો, “જ્યારે હું બીજાને હસાવું છું, ત્યારે મારી વેદના થોડી હળવી થઈ જાય છે. વળી જો હું હસતો ના રહું તો આસપાસના લોકો પણ નિરાશ થઈ જાય. તેથી હું બીજાને ખુશ રાખવા ખુદ હસીને બધાને હસાવું છું. મારી પાસે એવી કોઈ મોટી કેપેસીટી નથી કે હું લોકોને કોઈ આર્થિક મદદ કરી શકું પણ સારી અને હળવી વાતો કરીને સૌને હસાવી શકું છું, એમાં પણ મને આનંદ મળે છે.” એ શબ્દો જીવનનો પાઠ બની ગયા કે હસાવવું એ દાન છે, જે આપનારને પણ શાંતિ આપે છે. હાસ્ય એ આત્માની દવા છે. જે બીજાને હસાવે છે એ પોતે ઈશ્વરની નજીક રહે છે, કારણ કે તે ઈશ્વરની રચનામાં આનંદ અને પ્રકાશ ફેલાવે છે. દુઃખ દરેકના જીવનમાં હોય છે, પરંતુ જ્યારે કોઈ માણસ બીજાને ખુશ રાખે છે, ત્યારે એ ખુદ પણ ધીમે ધીમે પોતાના દુઃખ ઉપર વિજય મેળવી લે છે. આમ દુવા આપવાની અને મેળવવાની પણ આ એક રીત છે. એ લોકો આપણી વચ્ચેના ખરા સંત છે, જે કોઈ મંદિર વિના પણ ઉપાસના કરે છે, હાસ્યને પ્રાર્થના માને છે અને સ્મિતને પૂજા સમાન ગણે છે. આવા હસાવનારા લોકો આપણને શીખવે છે કે હાસ્ય એ દુઃખરૂપી દર્દની દવા છે, અને બીજાને હસાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કરવું એ પણ ઈશ્વરની આરાધના ગણાય છે. દુઃખી આત્માને સુખની પ્રસાદી આપવા સમાન કાર્ય ગણાય છે.
આવી વ્યક્તિના દરેક સ્મિત પાછળ એક કરુણાનો સંદેશ છુપાયેલ હોય છે કે હું તૂટ્યો નથી, હું હર હાલમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી આજ ખમીર અને જમીરથી જીવીશ. આ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી સ્વ પીડાને ક્યાંય પોકાર્યા વિના મારા નિર્દોષ અને નિખાલસ હાસ્યથી પરપીડા ઓછી કરવાના યથાયોગ્ય પ્રયત્નો કરતો રહીશ. સ્મિત એક એવું દાન છે જે મેળવનારને આશા આપે છે અને આપનારને પણ આનંદ આપે છે. માટે આ જગતના ચોકમાં જિંદગીના રંગમંચ પર જે પાત્ર ભજવવાનું આવે તે હસતાં હસતા ભજવી લેવાનું, કેમકે તારું મારું કરતા કરતા એક દિવસ ચાલ્યું જવાનું છે, અહીંનું ભેગુ કરેલું અહી જ પડ્યું રહેવાનું છે. સાથે તો માત્ર સારા કર્મોનું ભાથું જ આવવાનું છે. અને અંતે તો દુનિયાની યાદીમાં સ્મિતરૂપી સુવાસ જ રહેવાની છે. જય સચ્ચિદાનંદ.










































