વડીયાના ખજુરી પીપળીયા ગામના યુવક સાથે બેંક લોન અપાવવાના બહાને રૂપિયા ૩૫૦૦૦ની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ ખાતામાં પોતાનો નંબર લિંક કરાવી ગુનો આચર્યો હતો. કમલેશભાઇ જેન્તીભાઇ ભુવા (ઉ.વ.૪૨ )એ બે મોબાઇલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. લોન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં, આરોપીએ તેમની પાસે નાના જુદા જુદા ટ્રાન્ઝેક્શનો કરાવ્યા અને તે રકમ પરત આપી દીધી હતી આ રીતે, આરોપીએ ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.વિશ્વાસ કેળવ્યા બાદ, આરોપીએ તેમના બેંક એકાઉન્ટમાં પોતાનો મોબાઇલ નંબર લિંક કરાવી દીધો હતો.
આરોપીએ ફરિયાદીની મંજૂરી વિના અને બેંક ખાતાનો ઉપયોગ કરીને ‘લોનની પ્રોસેસિંગ ફી’ના બહાને રૂ.૫૦,૦૦૦ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. ફરિયાદીએ જ્યારે પોતાની રકમની વારંવાર માંગણી કરી, ત્યારે આરોપીએ તેમને માત્ર રૂ.૧૫,૦૦૦ પરત કર્યા હતા. આમ, આરોપીએ ફરિયાદી સાથે ખોટા નામનો ઉપયોગ કરીને કુલ રૂ.૩૫,૦૦૦ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. વડીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.










































