સિંહણના મૃત્યુની તપાસ કરવા વન વિભાગે ૭ ટીમ બનાવી

લીલીયા રેન્જના મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. માહિતી મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિતની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. સિંહણના
મૃતદેહનો કબજો લઈને તેને લીલીયાના ક્રાંકચ નજીક આવેલા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. પીએમ બાદ તેના નમૂના એકત્ર કરીને વધુ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. સિંહણના મૃત્યુના કારણો જાણવા માટે વન વિભાગે સ્થળ પર તપાસ શરૂ કરી છે. આ અંગે આરએફઓ ગલાણીએ જણાવ્યું હતું કે સિંહણની ઉંમર ત્રણ વર્ષની છે અને મોત શંકાસ્પદ હોવાથી વન વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. સિંહણનું મોત કયા કારણોસર થયુ તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સ્થાનિક સરપંચ પ્રતિનિધિ સુરેશભાઈ રામાણીએ જણાવેલ કે આ સિંહણના બરડાના ભાગે પંચર જોવા મળેલ સુત્રો મુજબ પ્રારંભિક દ્રષ્ટિએ આ સિંહણનું મોત ઇલેકટ્રીક શોકના કારણે થયુ હોવાનું ગામલોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

મૃત્યનું કારણ જાણવા વન વિભાગનું સર્ચ ઓપરેશન
કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહણનો મૃતદેહ મળતા સિહપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. વન વિભાગની ટીમ સિંહણના મોતનું કારણ જાણવા માટે પડતર વિસ્તાર, વાડી વિસ્તાર અને સીમ વિસ્તાર ખુંદી રહી છે. તમામ વિસ્તારોમાં વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
લીલીયા પંથકમાં વન્યપ્રાણીઓનો વસવાટ આવેલો છે. જેમાં કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની વન વિભાગને જાણ થતા વન વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિંહણના મૃતદેહનો કબજા લઈ સિંહણનું મોત કયાં કારણોસર થયું તેની તપાસ કરવા અમરેલી મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન નીચે ૭ ટીમ બનાવવામાં આવી છે.