દેશની અખંડ એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પૂર્વે ગોપાલભાઈ ચમારડી, જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તવ્યને પ્રેરિત સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ૧૧ સપ્ટેમ્બરે બારડોલીથી શરૂ થઈ છે. હાલ તે ગુજરાતના અલગ અલગ સ્થાનો પરથી પસાર થઈ રહી છે. આ યાત્રા ૨૨ સપ્ટેમ્બરે સોમનાથ પહોંચશે. આ યાત્રા ૧૭ સપ્ટેમ્બર-બુધવારે બપોર પછી રાજકોટ શહેરમાં પહોંચશે. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ તરફથી રાજકોટ શહેરના સર્વે સમાજના નાગરિકોને સરદાર સન્માન યાત્રામાં જોડાવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાત્રાનું સાંજે ૪ કલાકે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સ્વાગત થશે, ત્યારબાદ ત્યાંથી વાહનરેલી સ્વરૂપે સરદાર સન્માન યાત્રા શહેરના માર્ગો પર ફરશે. જેમાં ગ્રીનલેન્ડ ચોકડીથી પારેવડી ચોક સરદાર સન્માન યાત્રા પહોંચશે. જ્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરાશે. ત્યારબાદ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરાશે અને અનુસૂચિત જાતિ સમાજ યાત્રાનું સન્માન કરશે. ત્યારબાદ સાંજે ૫-૩૦ કલાકે સરદાર સન્માન યાત્રા બહુમાળી ભવન ચોક (રેસકોર્ષ) ખાતે પહોંચશે અને ત્યાં મુખ્ય સભા યોજાશે. ત્યારબાદ સરદાર સન્માન યાત્રા કોટેચા ચોક પહોંચશે જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરાશે. ત્યાંથી યાત્રા આગળ વધીને શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે પહોંચશે જ્યાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરિવાર દ્વારા સરદાર સન્માન યાત્રાનું સન્માન કરવામાં આવશે.