સુપ્રીમ કોર્ટે સોમવારે વકફ સુધારા કાયદા પર એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો અને કાયદાની કેટલીક કલમો પર સ્ટે મૂક્યો. જોકે, સુપ્રીમ કોર્ટે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર, ઓલ ઇન્ડિયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના સભ્ય સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસ કહે છે, ‘અમારો મુદ્દો ઘણી હદ સુધી સ્વીકારવામાં આવ્યો છે. ‘વક્ફ બાય યુઝર’ વિશેનો અમારો મુદ્દો સ્વીકારવામાં આવ્યો છે. આ સાથે, સંરક્ષિત સ્મારકો પરનો અમારો મુદ્દો પણ સ્વીકારવામાં આવ્યો છે કે કોઈ તૃતીય પક્ષ દાવો કરશે નહીં. લાદવામાં આવેલ પાંચ વર્ષનો નિયમ દૂર કરવામાં આવ્યો છે. હું કહેવા માંગુ છું કે એકંદરે અમારા ઘણા મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા છે, અને અમને લાગે છે કે નિર્ણય મોટાભાગે સંતોષકારક છે.’

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કહ્યું, ‘આ ખરેખર સારો નિર્ણય છે. સુપ્રીમ કોર્ટે સરકારના કાવતરા અને ઇરાદાઓ પર રોક લગાવી દીધી છે. જમીન દાન કરનારા લોકોને ડર હતો કે સરકાર તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે. આ તેમના માટે રાહતનો વિષય છે. સરકાર પાંચ વર્ષ સુધી મુસ્લીમ કોણ છે તે કેવી રીતે નક્કી કરશે? આ શ્રદ્ધાનો વિષય છે. અમે અમારી લડાઈ ચાલુ રાખીશું.’

સોમવારે, વકફ સુધારા કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પરના પોતાના આદેશમાં, મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે કાયદાની કલમ ૩ (૧) પર પ્રતિબંધ મૂક્યો. આ કલમ હેઠળ, વકફના નામે જમીન દાન કરવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે રાજ્ય સરકારો એવા નિયમો બનાવે, જે બતાવી શકે કે કોઈ વ્યક્તિ પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ઇસ્લામનું પાલન કરી રહી છે. કોર્ટે કહ્યું કે આ નિયમો વિના, કાયદાની આ જોગવાઈનો મનસ્વી રીતે ઉપયોગ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની કલમ ૩સી (૨) ની જોગવાઈ પર પણ સ્ટે મૂક્યો છે, જે મુજબ વકફ મિલકતને ત્યાં સુધી વકફ મિલકત ગણવામાં આવશે નહીં જ્યાં સુધી સરકારના નિયુક્ત અધિકારી તેના પર અતિક્રમણ છે કે નહીં તે રિપોર્ટ રજૂ ન કરે. ઉપરાંત, કોર્ટે કલમ ૩સી (૩) પર પણ સ્ટે આપ્યો છે, જેમાં જણાવાયું છે કે જો નિયુક્ત અધિકારી નક્કી કરે કે મિલકત સરકારી મિલકત છે, તો તેણે મહેસૂલ રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા પડશે અને આ સંદર્ભમાં રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરવો પડશે. કોર્ટે કલમ ૩સી (૪) પર પણ સ્ટે આપ્યો છે, જેમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર, નિયુક્ત અધિકારીના રિપોર્ટ પ્રાપ્ત થયા પછી, બોર્ડને રેકોર્ડમાં યોગ્ય સુધારા કરવા માટે નિર્દેશ આપશે.

સુપ્રીમ કોર્ટે વક્ફ બોર્ડમાં બિન-મુસ્લીમોની નિમણૂકની જોગવાઈ પર સ્ટે આપ્યો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સીલમાં વધુમાં વધુ ચાર બિન-મુસ્લીમ સભ્યો અને રાજ્ય વક્ફ બોર્ડમાં વધુમાં વધુ ત્રણ બિન-મુસ્લીમ સભ્યો હોઈ શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી, બોર્ડના સીઇઓ મુસ્લીમ સમુદાયમાંથી હોવા જાઈએ. સુપ્રીમ કોર્ટે વક્ફ મિલકતની નોંધણી સંબંધિત જાગવાઈઓમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવિધ પક્ષોને સાંભળ્યા બાદ ૨૨ મેના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.