ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલિશન કાર્યવાહી વચ્ચે ઉના તાલુકાના કાજરડી ગામની સરકારી જમીન પરના દબાણ હટાવવા સામે ગુજરાત હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ ચુકાદો અસરગ્રસ્તો માટે મોટી રાહત લઈને આવ્યો છે. કાજરડી ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ સામે દબાણકારોએ તેમના વકીલ એડવોકેટ કેવલસિંહ રાઠોડ મારફતે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ન્યાયમૂર્તિ મોનાબેન ભટ્ટે એડવોકેટ કેવલસિંહ રાઠોડની અસરકારક દલીલોને ધ્યાનમાં રાખીને દબાણ હટાવવાની કાર્યવાહી સામે મનાઈ હુકમ આપ્યો છે. અગાઉ પણ, ઉના તાલુકાના તડ ગામમાં દબાણ દૂર કરવાની નોટિસ સામે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંગીતાબેન વિશેન દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ બે ચુકાદાઓથી સ્પષ્ટ થાય છે કે કોર્ટે દબાણ હટાવવાની કાર્યવાહી સંબંધિત કેસોમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન સુનિશ્ચિત કરવા માટે સરકારી અધિકારીઓને કોઈ પણ કાર્યવાહી ન કરવા આદેશ કર્યો છે.






































