લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે સોલાર એનર્જી અને ગ્રીન એનર્જીના પ્રચાર-પ્રસારના ભાગરૂપે પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ.એચ. કાલાણી દ્વારા “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” પર એક માહિતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે યોજાયેલા આ કાર્યક્રમમાં કાલાણીએ ગ્રામજનોને સોલાર રૂફટોપ લગાવવા પર મળતી સરકારી સબસિડી અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સોલાર પ્લેટની જાળવણી કેવી રીતે કરવી અને રાત્રિના સમયે તેને સાફ કરવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે વીજળીની બચત કરવા અને ઘરમાં સલામતી માટે ઇએલસીબી (ELCB) લગાવવાની પણ સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ અને અગ્રણી વિનુભાઈ રામાણીએ ગ્રામજનોને સોલાર રૂફટોપ લગાવવા માટે સહાયની જાહેરાત કરી અને દેશના ગ્રીન એનર્જી મિશનમાં સહભાગી થવા અપીલ કરી હતી. ગ્રામજનોએ સુંદર અને ઉપયોગી માહિતી આપવા બદલ કાલાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.









































