આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનિર્મિત છે.પણ સૃષ્ટિના વિવિધ અંગોમાનું એક અંગ જે માણસ, તેણે ઈશ્વરની સૃષ્ટિમાં સમાંતરે પોતાનું કૃત્રિમ જગત ઊભું કર્યું છે. આ જગતને વિકસાવવા માણસે એવી હરણફાળ ભરી છે કે આજે માણસ માત્રના મન અનેકવિધ સંઘર્ષમાં અટવાયેલા રહે છે. ઘર્ષણોના વિવિધ ઝાળાઓમાં માણસ પોતાની જાતનેય ભૂલી ગયો છે અને પ્રેમ, દયા, સહનશીલતા તથા કરુણાના સ્થાને સ્વાર્થી બની ભૌતિક ઉત્કર્ષ સાધવામાં રાત દિવસ જંખતો રહે છે. આ કરુણ, દયનીય સ્થિતિ વ્યક્તિ અને સમાજ બંનેની છે. ધીરજ અને શાંતિ તો જગતમાંથી અદ્રશ્ય થવા માંડ્યા છે, વ્યક્તિ વ્યક્તિને ગળી જઈને આગળ વધવામાં ગરકાવ છે. મન – હૃદય સતત અજંપો અનુભવે છે. આ સ્થિતિ સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, શહેરીજન હોય કે ગ્રામજન – સૌ કોઈની છે. માનસિક તાણ અને પ્રશ્નમાંથી સર્જાયેલ અજંપાભરી સ્થિતિમાંથી મુક્તિ મળે તો જ આત્મવિકાસ સાધી કુટુંબને સુખ શાંતિ બક્ષી શકાય. આ સંદર્ભમાં વિવિધ મહાનુભાવોના જીવનચરિત્ર અને આપણા ખુદના અનુભવોના નીચોડરૂપ કેટલીક રોચક જીવન ઉપયોગી વાતો અદના આદમીના ઉત્કર્ષમાં નિમિત્ત બનશે.
જીવન એ એક એવું પાઠ્યપુસ્તક છે, જેમાં હજારો પાઠ હોય છે પણ કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ નથી હોતો. શાળામાં આપણે વિષય પસંદ કરી શકીએ છીએ, પણ જીવનમાં આપણને વિષય પસંદગીનો મોકો મળતો નથી, તે આપોઆપ મળી રહે છે.
શાળામાં ભૂલો કરવા બદલ ગુણ કાપી લેવાય છે, જ્યારે જીવનમાં થતી ભૂલો બદલ સમાજમાં શાખના ગુણ કપાઈ જાય છે. આ અનુભવ જ આપણો સાચો શિક્ષક છે. દરેક દિવસ આપણને કંઈક નવું શીખવાડી જાય છે – ક્યારેક ધીરજ, ક્યારેક સહનશીલતા, તો ક્યારેક નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની હિંમત.
જીવનનું સૌંદર્ય એમાં છે કે તે ક્યારેય સ્થિર નથી. નિત્ય નવી પરિસ્થિતિ, નવા પડકારો, નવા લોકો અને નવા સંજોગો આપણને અજમાવે છે. અહીં કોઈ ચોક્કસ જવાબપત્ર નથી, પણ દરેક પ્રશ્નનો જવાબ આપણી અંદરની સમજ અને મૂલ્યોમાંથી શોધવો પડે છે.
જે રીતે શાળામાં વિષય પસંદ કરીને આપણે સ્વતંત્ર રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકીએ છીએ, તેવી જ રીતે જીવનમાં પણ પોતાની પસંદગી, પોતાના નિર્ણય અને પોતાની રીતે જીવવાની તક છે. બસ ફરક એટલો જ છે કે શાળાના ગુણપત્રકમાં જે અંક મળે છે તે કાગળ પર લખાય છે, જ્યારે જીવનના ગુણ આપણાં સ્વભાવ, સંબંધો અને જશ-અપજશમાં દેખાય છે. અંતે, જીવન આપણને શીખવે છે કે દરેક અનુભવ એક પાઠ છે. કોઈ જીત તો કોઈ હાર, કોઈ ખુશી તો કોઈ દુઃખ – બધું જ એક અવિરત શિક્ષણ છે. આથી કહી શકાય કે જીવન પોતે જ એક અદ્ભુત વિષય છે, જેમાં વિદ્યાર્થી આપણે જ છીએ અને શિક્ષક સમય છે. જીવન સબંધી વિષયની કેટલીક અદ્ભુત હકીકતો.. ૧. “જીવનનું સાચું પાઠ્યપુસ્તક અનુભવ છે.” ૨. “સમય એ જીવનનો શ્રેષ્ઠ શિક્ષક છે.” ૩. “ભૂલ જીવનમાં દંડ નથી, શીખવાનો અવસર છે.” ૪. “સાચું ગુણપત્રક માણસના સ્વભાવમાં દેખાય છે.” ૫. “દરેક દિવસ એક નવો પાઠ છે, દરેક અનુભવ એક નવી શીખ.” ૬. “જીત-હાર તાત્કાલિક છે, શીખવું શાશ્વત છે.”
આજની દોડધામભરી જિંદગીમાં માણસે ભૌતિક વિકાસ તો કર્યો છે, પણ તેની સાથે આત્મિક શાંતિ ગુમાવી દીધી છે. શાંતિ એ જીવનનો મૂળભૂત આધાર છે. મનમાં શાંતિ ન હોય તો માણસ કેટલો પણ ધનિક, વિદ્વાન કે પ્રતિષ્ઠિત કેમ ન હોય – તે અધૂરું જ રહે છે.










































