સુશીલા કાર્કીએ નેપાળની સત્તા સંભાળ્યાને હજુ ૨૪ કલાક પણ નથી થયા અને તેમણે તાબડતોબ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સામે ૮ સપ્ટેમ્બરે થયેલા પોલીસ દમનના વિરોધમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. કેપી શર્મા ઓલી વિરુદ્ધ ગંભીર ગુનાના આરોપમાં તપાસની માંગણી કરતી એફઆઇઆર નોંધાઈ છે. જનરેશન ઝેડના આક્રોશને જાતાં ૯ સપ્ટેમ્બરે કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. જુલાઈ ૨૦૨૪માં તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને એક વર્ષ બે મહિના બાદ જ તેમને સત્તા છોડવી પડી.

નેપાળમાં વચગાળાની સરકાર (અંતરિમ સરકાર)ના વડાપ્રધાન સુશીલા કાર્કી  ટુંક સમયમાં  તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. સુશીલા કાર્કી શનિવારે આખો દિવસ જનરેશન ઝેડના પ્રતિનિધિઓ અને અન્ય વિવિધ રાજકીય તથા સામાજિક પક્ષો સાથે ચર્ચામાં વ્યસ્ત રહ્યા. તેમના આ વ્યાપક સંવાદનો હેતુ આગામી કેબિનેટ વિસ્તરણ માટે સહયોગ અને સમર્થન મેળવવાનો હોવાનું જણાવવામાં આવે છે.

મંત્રીમંડળમાં કોણ કોણ હશે?

સુશીલા કાર્કીની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવનારા નવા સભ્યોના નામો પર આવતીકાલ સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. એવી અપેક્ષા છે કે નામોની જાહેરાતની સાથે તે જ દિવસે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ પણ યોજાશે.

જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ કેબિનેટ વિસ્તરણમાં વિવિધ પ્રાદેશિક અને જાતીય પ્રતિનિધિઓને સામેલ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આનાથી સરકારની સ્થિરતા અને જનસમર્થનમાં વૃદ્ધિ થવાની આશા છે.

૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫નો દિવસ નેપાળ માટે ઐતિહાસિક રહ્યો. કારણ કે પ્રથમ વખત કોઈ મહિલાને નેપાળની સત્તા સંભાળવાની તક મળી છે. સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વચગાળાના વડાપ્રધાન બન્યા છે. આ પહેલાં ક્યારેય કોઈ મહિલાએ નેપાળનું નેતૃત્વ કર્યું નથી.