ધારી શહેરમાં ઈદે મિલાદુનનબીનો તહેવાર વર્ષોની પરંપરા મુજબ ઉત્સાહભેર ઉજવાયો હતો. આ અવસરે હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા, જેમાં અનેક રાજકીય આગેવાનો અને હિન્દુ સમાજના અગ્રણીઓ પણ જુલૂસમાં જોડાયા હતા. ધારી મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષામાં જુલૂસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસ ધારી નવી વસાહત ખાતે આવેલી મસ્જિદથી શરૂ થઈને વિવિધ રાજમાર્ગો પર ફર્યું હતું. ત્યારબાદ તે લાઇબ્રેરી ખાતે આવેલી જુહુર હુસેનશા પીરની દરગાહે ઈબાદત કરીને પૂર્ણ થયું હતું. આ જુલૂસમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, જીતુભાઈ જોશી, ઘનશ્યામભાઈ હિરપરા, જયરાજભાઈ ધાખડા, કૌશીરભાઈ લલિયા અને ભાજપ લઘુમતી મોરચાના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.







































