ઘરની આજુબાજુમાં ફાજલ જમીન, અગાસી, બાલ્કની કે ચાલીમાં ફ્ળ – ફૂલ કે શાકભાજી ઉગાડવામાં આવે છે તેને કિચન ગાર્ડન કહેવામાં આવે છે. આહારશાસ્રીઓના મતે દૂનિયાનાં ઘણા દેશોની સરખામણીમાં આપણે ઘણાં ઓછા શાકભાજી ખાઈએ છીએ. એક અંદાજ પ્રમાણે ભારતમાં માથાદીઠ શાકભાજીનો વપરાશ ફક્ત ૩૦ ગ્રામ છે. જ્યારે અમેરિકામાં ૫૦૦ ગ્રામ અને ઈગ્લેન્ડમાં ૧૨૦ ગ્રામ છે. તેમાંય અત્યારનાં અછત અને મોંધવારીના સમયમાં શાકભાજીના ભાવો સામાન્ય લોકોને ક્યારેક પરવડતા નથી.તો જે લોકોને ઘરે મોટા ફળીયા હોય તેમણે જમીનમાં અને ફળીયા ન હોય તેમણે કુંડામાં શાકભાજી વાવવા જોઈએ. મોટા શહેરો અને નગરોમાં વસતા લોકો અને મોટી મોટી કંપનીઓની ટાઉનશીપમાં વસતા લોકો ધરની બાલ્કનીમાં વાંસની નાની ટોપલીઓમાં, ટીનના અડધિયામાં, ડબ્બા, પીપ, પ્લાસ્ટીકનાં ટબ, નાના કદનાં ખોખા તેમજ સીમેન્ટનાં અથવા માટીનાં કૂંડાઓમાં ઋતુ પ્રમાણે શાકભાજી ઉગાડી શકે છે.
હાલ ચોમાસામાં બીજ વાવવાથી સારા શાકભાજી ઉગાડી શકાય છે. ધરે ઉગાળેલા શાકભાજીમાં પાણી સારી ગુણવતા વાળુ આપ્યું હોય છે, જેથી તે શાકભાજીમાં અન્ય શાકભાજી કરતા પૌષ્ટિકતાનું પ્રમાણ વધારે હોય છે.
કિચન ગાર્ડનથી થતા ફાયદા ધરની જરૂરિયાત મુજબ ઋતુ પ્રમાણે મનપસંદ તાજા શાકભાજીનું ઉત્પાદન કરી શકાય છે. શાકભાજી ઉગાડી શકવાથી ધર ખર્ચમાં મોટો ધટાડો કરી શકાય છે. નકામાં વહી જતાં પાણીનો યોગ્ય રીતે વપરાશ થાય છે. ધરની આજુબાજુ જગ્યા ચોખ્ખી રાખી શકાય છે. કુટુંબનાં સૌ સભ્યોને શાકભાજીનાં વિવિધ પાકોની ઓળખ, તેનો જીવનકાળ, ખેતી પધ્ધતી તેમજ અન્ય ઉપયોગી માહિતી મળી રહે છે. શાકભાજી અને ફળોનાં વાવેતરથી ઘરમાં હવાનું પ્રદૂષણ ધટે છે અને પર્યાવરણ સુધરે છે.
કિચન ગાર્ડનથી ધરની શોભામાં વધારો થાય છે. કિચન ગાર્ડનમાં કામ કરવાથી શારીરિક કસરત અને તાજગી મળી રહે છે તેમજ ફાજલ સમયનો સદ્ઉપયોગ કરી શકાય છે. ઘર આંગણે શાકભાજી ઉગાડવાની જગ્યાએ દિવસ દરમ્યાન પૂરતો સૂર્યપ્રકાશ રહેતો હોવો જોઈએ. પિયતની સગવડ તથા નિતાર નીકની વ્યવસ્થા કરવી જોઈએ. કુટુંબના સભ્યોની જરૂરીયાત પ્રમાણે શાકભાજીનો વિસ્તાર રાખવો જોઈએ. વિસ્તાર અને હવામાનને અનુકૂળ શાકભાજી વાવેતર માટે પસંદ કરવા જોઈએ. ખાતરીવાળું અને પ્રભાવિત બિયારણજ વાપરવાનો આગ્રહ રાખવો. વાવેતર જે તે શાકભાજીના નક્કી સમયે થાય તે જોવું. વેલાવાળા શાકભાજીનાં વેલા ઝાડ પર કે, અગાસી પર ચઢાવી શકાય અથવા મંડપ બનાવી ચઢાવી શકાય, જેથી બગીચામાં વધારે જગ્યા રોકે નહિં.
કંદમૂળવાળા શાકભાજી જેવા કે, લસણ, ડુંગળી, બટાટા, મૂળા, ગાજર, બીટરૂટ જેવા પાકો ક્યારાની પાળીઓ પર વાવી શકાય. જેથી બીજી જમીનનો બગાડ થાય નહીં. ઓછા છાંયામાં મેથી, ધાણા, પાલખ, લસણ કે અળવીનાં પાન પણ ઉગાડી શકાય છે.
શાકભાજીને એક અથવા બીજી રીતે ઉપયોગી થાય તેવા વર્ષાયુ પાકો જેવાકે કેળ, પપૈયા, સરગવો, મીઠો લીમડો, લીંબુ વગેરેનો કિચન ગાર્ડનમાં સમાવેશ કરવો જોઈએ. વર્ષ દરમ્યાન નિયમિત શાકભાજીનું ઉત્પાદન મળતું રહે તે પ્રમાણે શાકભાજીનું આયોજન કરવું જોઈએ. કૃષિ તજજ્ઞની સલાહ મુજબ ખેડ, ખાતર, પિયત અને પાક સંરક્ષણનાં પગલાં લેવા જોઈએ. કિચન ગાર્ડન હંમેષા નિંદણ મુક્ત રાખવો જોઈએ. શાકભાજી પાકોને પશુ પક્ષી અને ભૂંડથી નુકશાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ.
બગીચામાં નાના ખેતી કાર્યો માટે હલકા હલકા સાધનો જેવા ખૂરપી, (દાંતરડી), પાવડા ,કોદાળી, પંજેઠી, તગારા, પાણીનો ઝારો અને જરૂર પડયે જંતુનાશક દવા છાંટવાનો હેન્ડ સ્પેયર વસાવવો જોઈએ.
શાકભાજી નિયમિત અને સમયસર ઉતારતા રહેવું જોઈએ. hemangidmehta@gmail.com









































