દિગ્દર્શક તરીકે નિર્માતા રોબ શ્રોડરની આ પહેલી ફિલ્મ છે- અલ્ટ્રા સાઉન્ડ (૨૦૨૧). એક વરસાદી રાત છે. ગ્લેન (વિન્સેન્ટ કાર્થેઈઝર) એક મેરેજ પાર્ટી પૂરી કરીને ઘરે જઈ રહ્યો છે. સુમસામ અને અંધારિયા રસ્તામાં તેની કાર જઈ રહી છે. અચાનક રોડ પર કોઈએ લગાવેલા ખીલાઓના કારણે કારમાં પંચર પડી જાય છે. કાર આગળ ચલાવવી મુશ્કેલ છે. રસ્તો અજાણ્યો છે તેને ખબર નથી કે ગેરેજ ક્યાં છે. નજીકમાં રોડ સાઇડે એક મકાન જોવા મળે છે અને ત્યાં તે મદદ અને માહિતી-માર્ગદર્શન માટે જાય છે. અહીં તેને સારો આવકાર મળે છે. દંપતી – મિસ્ટર આર્ટ (બોબ સ્ટીફનસન) અને તેની પત્ની સિન્ડી ( ચેલ્સિઆ લોપેઝ) – કહે છે કે નજીકમાં કોઈ ગેરેજ છે નહીં અને સર્વિસમાં ફોન કરશો તો પણ એ લોકો આવવામાં ખૂબ વાર લગાડશે. પતિ-પત્ની બંને ગ્લેનને કહે છે કે હવે રાત રહી જાઓ, સવારે જજો. રાત રહેવાની તો ઠીક પણ ઘરની અંદર આવવાની પણ ના પાડે છે પરંતુ દંપતીના અત્યંત આગ્રહ સામે તે ઝૂકી જાય છે. (અજાણી વ્યક્તિ માટે આટલો આગ્રહ તો હવે હોસ્પિટાલિટી માટે વિશ્વવિખ્યાત એવા સૌરાષ્ટ્રમાં પણ જોવા મળતો નથી. અને એ પણ દંપતી એકલું હોય ત્યારે તો નહીં જ નહીં!) પતિ-પત્ની તેના મહેમાન ગ્લેનને નાસ્તો-બાસ્તો કરાવે છે અને દારુ-બારુ પણ પીવડાવે છે. હોસ્પિટાલિટીમાં કોઈ જ કસર છોડવામાં આવતી નથી. ( કાગ, એને પાણી પાજે, સાથે બેસી ખાજે, એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે – વગેરે વગેરે બધું જ થાય છે…) ગ્લેન અને આર્ટ ખૂબ નિરાતવી વાતો કરે છે, દારૂ-બારૂ પીતા જાય છે. ગ્લેનને (અને દર્શક તરીકે આપણને) જાતજાતના વહેમ પડતા જાય છે. જાડિયો-પાડિયો આર્ટ ખૂબ વાચાળ વ્યક્તિત્વ લાગે છે. તે વાત વાતમાં, મજાક મજાકમાં ગ્લેનને એમ પણ કહી નાખે છે કે પોતે એક સાઇકીક પેશન્ટ છે. મતલબ કે ગાંડા જેવો છે. અમસ્તોય તે ગ્લેનને (અને દર્શક આપણને) પહેલેથી જ થોડોક ડોબા જેવો તો લાગે જ છે. થોડી વાતચીતના અંતે હવે સુઈ જવાનું જાહેર થાય છે અને આર્ટ ગ્લેનને પોતાની સગી પત્ની સિન્ડી સાથે સૂઈ જવાનું કહે છે.
ગ્લેન શરમાળ છે. (આવી ઓફર હોય ત્યારે તમારે થોડુંક શરમાવું પણ પડે!) તે કહે છે કે એવું કરવાની કોઈ જરૂર નથી. પરંતુ આર્ટ પોતાના મહેમાનને કહે છે કે તેને મજા પડશે, સારું લાગશે. (રાતનો સમય, એકાંત વાતાવરણ, ડોબો પતિ અને સુંદર પત્ની ! અને ખુદ પતિનો આગ્રહ ! ) પતિના અતિ આગ્રહને વશ થઈને ગ્લેન શરમાતો શરમાતો સિન્ડીના બેડરૂમમાં જાય છે. સિન્ડી કહે છે કે તે તેની રાહ જ જોઈ રહી હતી. (આંકડે મધ અને માખો વિનાનું !) ગ્લેનના તમામ સંકોચ અને શરમ ઓગળી જાય છે. બંને એક જ પથારીમાં સૂઈ જાય છે… બાકીનું વર્ણન કંઈ કરવાની જરૂર નથી અને ફિલ્મ સેન્સર બોર્ડમાં પાસ પણ કરવાની હોય છે એટલે ડાયરેક્ટરે પણ કંઈ વધારે પડતું બતાવ્યું નથી. પણ એ લોકોની સવાર પડે ત્યાં સુધી આપણા પચ્ચીસ-પચાસ જાતના વહેમ સતત ઉભરા લીધા કરે છે પણ એવું કંઈ બનતું નથી. હા, રાત્રિ દરમિયાન ગ્લેનને કોઈ વિચિત્ર સાઉન્ડ સંભળાય છે પણ એમાં આપણું ધ્યાન જરૂર જાય છે પણ કોઈ વહેમ પડતો નથી. (હવે આ રિવ્યુ વાંચ્યા પછી તમે ફિલ્મ જોશો તો તમને એ સાઉન્ડ વખતે જ વહેમ જાશે પણ તોય વહેમાતી વખતે તમને એમ લાગશે કે આમાં વહેમાવા જેવું કંઈ છે નહીં!) ગ્લેન સવારે જાગે છે અને તૈયાર થઈને તે રવાના થાય છે. પતિ-પત્ની તેને પ્રેમથી હસતા મુખે વિદાય આપે છે. એવરીથીંગ વોઝ નોર્મલ…!
ચલો એ વાત પતી ગઈ પણ થોડાક દિવસ પછી અચાનક આર્ટ ગ્લેનને તેના કામના સ્થળે મળવા આવે છે અને કહે છે કે તેની પત્ની સિન્ડી પ્રેગ્નેન્ટ છે, અને તે ગ્લેનના કારણે જ છે. ગ્લેન આ વાત માનવાનો ઇન્કાર કરે છે. કહે છે કે આમાં કોઈ બીજાનો ફાળો હશે. પણ આર્ટ એકદમ ભોળા ભાવે (અથવા તો ડોબા ભાવે !) ગ્લેનને આગ્રહ કરે છે કે તે એક વખત સિન્ડીને મળે. આમ જુઓ તો ગ્લેન પણ થોડો ડોબો-ભોળો તો છે જ, એટલે હા-ના કરતાં કરતાં તે મળવાનું પસંદ કરે છે. એક દિવસ તે મળે છે. તેને લાગે છે કે સિન્ડી પ્રેગનેન્ટ છે અને બસ પછી મુલાકાતનો સિલસિલો ચાલુ રહે છે. વચ્ચે એક દિવસ ગ્લેનને એવું લાગે છે કે સિન્ડી પ્રેગ્નેન્ટ નથી! કંઈ સમજાતું નથી. ગ્લેનને તો નથી સમજાતું પણ દર્શક તરીકે આપણને પણ સમજાતું નથી અને વાર્તા આગળ ચાલ્યા કરે છે. છેલ્લે બધું સમજાઈ છે.
દિગ્દર્શક તરીકે રોબ શ્રોડરની આ પહેલી ફિલ્મ છે. પણ ગજબની ફિલ્મ. કોનર સ્ટેચ્શૂલ્ટની કોમિક બૂક ‘જનરલ બોસમ’ પરથી બનાવેલી ૧૦૩ મિનિટની આ ફિલ્મ તેની પ્રથમ બે મિનિટથી લઈને છેક સુધી આપણા દિમાગને જકડી રાખે છે. ૨૦૧૦માં આવેલી ‘ઈન્સેપ્શન’ ફિલ્મ પછી એવું લાગતું હતું કે આ પ્રકારનું સાયકોલોજીકલ થ્રિલર ફિક્શન આપણને મળવું અસંભવ છે. પણ જોવા જેવી ખૂબી એ છે કે ‘ઈન્સેપ્શન’ જેવા મોટા મોટા સેટ અને ખર્ચાળ વીએફએક્સ વગર બહુ જ સાદા દૃશ્યોમાં આ ફિલ્મ સ્પેશિયલ ઇફેક્ટ આપે છે. ફિલ્મનો વિષય છે હિપ્નોટિઝમ.
રોબ શ્રોડરે ફિલ્મના પાત્રોને તો હિપ્નોટાઈઝ કર્યા જ છે પરંતુ દર્શક તરીકે આપણને પણ કર્યા છે. હિપ્નોટિઝમને વધુ સારી રીતે સમજવા માટે પણ આ ફિલ્મ જોવા જેવી છે. naranbaraiya277@gmail.com