ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
પૃથ્વી પર અવતરનાર એક-એક વ્યક્તિમાં કંઈક ને કંઈક શક્તિ પડેલી છે. તમારી શક્તિને બીજી પણ વિશિષ્ટતા છે, કુશળતા છે. તેની તોલે બીજી કોઈ વ્યક્તિ આવી ન શકે.
હા કોઈ વ્યક્તિમાં સરખી આવડત જોવા મળે પણ તે અમુક અંશે જ એક્ઝેટ નહીં એટલે સરખી દેખાતી આવડતમાં પણ સારું એવું નોખાપણું રહેલું છે. જેમકે કોઈ જાદુગર હોય પણ બધા જાદુગરમાંથી તમને કોઈ એક જાદુગર બીજા કરતા વધુ આવડતવાળો લાગે.
તમારામાં કોઈક વિશિષ્ટ શક્તિ રહેલી છે આવડત પડેલી છે તે તમે જોતા જ નથી તેથી તે વાપરવામાં, તેનો ઉપયોગ કરવાની સુઝ પણ કેળવાઈ હોતી નથી. એટલે તમારામાં રહેલી શક્તિઓ ખીલીને બહાર આવતી જ નથી.
એવું એક તારણ છે કે માનવી પોતાની કુદરતે બક્ષેલી શક્તિનો માંડ ૧૦% ઉપયોગ કરે છે બાકીની ૯૦% શક્તિ એળે જવા દે છે.
તમારી શક્તિ ગમે તે ક્ષેત્રમાં હોઈ શકે, એમાં તમને સારી રસોઈ બનાવતા આવડતું હોય, ચિત્રની કળા હોય, સંગીતની કળા હોય, કે યંત્ર કામમાં કે ભરત ગુંથણમાં, રમતમાં કે લેખનકાર્યમાં, ડિઝાઇનર તરીકેની કોઈપણ કુશળતા પૂર્ણ પણે વિકસાવો તો તમે જરૂર સફળ થશો.
તમે બીજાની સાથે તમારી તુલના ક્યારેય પણ ન કરો.
તમે જ તમારા હરીફ બનો.
તમને જે બાબતમાં રસ છે તે પ્રવૃત્તિ તમે કરો પણ ક્યારે કરી શકીશ, કેટલો ટાઈમ લાગે, મારાથી ન થાય તેવા નકારાત્મક વિચારો ન કરવા જોઈએ.
તમે વિચારો કે મારે ધોરણ-૧૦માં ૮૦ ટકા માર્ક્સ સાથે પાસ થવું છે તો તમે આજથી મહેનત શરૂ કરી દો અને જો તમે ખરા અર્થમાં મહેનત કરો તો ૮૦ ટકા ને બદલે તમારે ૯૦% પણ આવી જાય.
મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી રાખો.
પોતાના કપરા સંજોગો આગળ નમતું ન મૂકવાની તીવ્રતા હોવી જોઈએ.
કોઈપણ મુશ્કેલીનો વાસ્તવિક ઉકેલ શોધવો જોઈએ.
તમે જેવું ઈચ્છો છો તેમ તમે બની શકો છો.
સફળતાનો ઉદ્ભવ માણસના મનમાં થાય છે.
જો તમારે સફળ થવું હોય તો તમારા મનમાં સફળ થવાનો તરવરાટ પણ હોવો જોઈએ અને નિષ્ફળતાનું કોઈ કારણ ન રહેવું જોઈએ, એટલા પ્રયત્નો કરવા જોઈએ.
નિશાન ચૂક માફ પણ, નહિ માફ નીચું નિશાન.
કેટલીક વખત સમાજમાં એવું બનતું હોય છે કે સભ્ય સમાજના અમુક લોકો કોઈ માનવીને અણઆવડત વાળો ગણતા હોય, પણ તે માનવીના મનમાં એક વાત ઘૂંટાતી રહેતી હોય છે “મને પણ અન્ય જેટલો સફળ નીવડવાનો અધિકાર છે” જેથી બીજા માણસો, ટીકાકારો જોતા રહી જાય છે કે એક સામાન્ય ગણાતો માણસ પણ સક્ષમ બની જાય છે.
તમારે જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમે પોતે જ તમારી મદદ કરી શકો છો.
જો તમે કાંઈ નહીં કરો અને ફક્ત સપના જોશો તો તે એક સપનું જ રહેશે પણ તે પર કાર્ય કરશો તો તમારું સ્વપ્ન હકીકતમાં પરિણમશે.
ખાસ ધ્યાન રાખવું કે તમારા લક્ષ્યથી ક્યારેય વિચલિત થવું ન જોઈએ.
દાખલા તરીકે, શ્રીમતી ઇન્દિરા ગાંધી પહેલીવાર ભારતના વડાપ્રધાન થયા ત્યારે તેમણે જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભાને કહેણ મોકલ્યું તમે મારા પ્રધાનમંડળમાં અણુસંશોધન ખાતાના પ્રધાન થાઓ ત્યારે ડાકટર ભાભાએ તેનો તરત અસ્વીકાર કર્યો કેમકે તે વૈજ્ઞાનિક જ રહેવા માગતા હતા અને તેમાં જ આગળ વધવા માંગતા હતા. એટલે બીજી લલચામણી દેખાય તેવી બાબતનો વિચાર પણ કરવા માંગતા ન હતા.
જેના ઉપરથી તારણ નીકળ્યું કે તમે જે મનમાં નક્કી કરેલું છે તેમાં તમે સંપૂર્ણ કેન્દ્રિત થઈને કામ કરો.
તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે કાર્ય કરવાની શરૂઆત કરી દેવી જેથી તમારામાં સ્ફુર્તિ પેદા થાય છે. તમારામાં ઉત્સાહનો સંચાર થાય છે. એટલું જ નહીંં તમે જેમ આગળ વધશો તેમ માર્ગમાં આવતી સમસ્યાઓનો ઉકેલ પણ તમને મળવા લાગશે. તેમજ તમારામાં નવી સુઝ અને નવી તેજસ્વિતા જોવા મળશે.
ઘણા માણસોના મનમાં એક સંદેહ હોય છે. આ કરું તો ખરો પણ તેમાં સફળ ન થાઉં તો શું?
આવા વિચારો યોગ્ય નથી જેમ કે મને તરતા આવડવાની ખાતરી થાય તો પાણીમાં પડું તો એ માણસ કદી તરતા શીખી શકવાનો નથી.
તમારું વલણ હંમેશા હકારાત્મક રાખવાનું છે.
પડકાર જેટલો મોટો, સફળતા તેટલી જ મોટી.
હું કોઈથી ચડિયાતો નથી, હું કોઈથી ઊતરતો નથી, હું તો ફક્ત હું જ છું.








































