સૌરાષ્ટ્રવાસીઓને અયોધ્યા જવા માટે વધુ એક ટ્રેનની સુવિધા મળી છે. ભાવનગરથી અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પ્રારંભ કરાયો છે. ૧૧ ઓગસ્ટથી આ ટ્રેન ભાવનગર અયોધ્યા વચ્ચે નિયમિત દોડશે. ભાવનગરથી અયોધ્યા પહોંચતા અંદાજિત ૨૯ કલાક જેટલો સમય લાગશે. ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગરમાં બે નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર-રાજકોટ વાયા વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન શરૂ થતા રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના લોકોને લાભ થશે. ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય રેલવેના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે.










































