આજના સમયમાં રૂપ અને રૂપિયાની આગવી ઓળખ બની ગઈ છે. જે સમરસ સમાજ માટે ઘાતક પણ સાબિત બની રહ્યું છે. પરસેવો પાડયા વિના બુધ્ધિના ગાળીયા કરીને ટૂંકા રસ્તે કમાણી કરી લેવી, કોઈપણ ક્ષેત્રમાં મહેનત, પરિશ્રમ વગર લોકપ્રિય અને પ્રસિધ્ધ થઈ જવું એની આજની પેઢીને ઘેલછા લાગી છે. આ રાક્ષસી વૃત્તિ પાછળ જવાબદાર પરિવારના મોભી છે. વર્તમાન સમયમાં મોબાઈલની દુનિયાએ સમાજ વ્યવસ્થા છીન્ન-ભીન્ન કરી નાખી છે. આમ છતાં પરિવારના વડીલો આ ઝેરમાંથી પોતે અને પોતાના પરિવારને બહાર કાઢી શકતા નથી.
મોબાઈલના ઝેરથી પરિવારો છીન્ન-ભીન્ન થયા અને જમીન, વાવતેરમાં ઝેર છાંટીને માણસ કેન્સર જેવી બીમારીમાં સપડાતા પરિવારો છીન્ન-ભીન્ન થયા.
જામનગર તાલુકાના તરવરીયા યુવાન ભાવેશ મનસુખભાઈ નંદા જેની ઉંમર માત્ર ૩પ વર્ષ છે અને દડીયા ગામનો વતની છે. ર૦૧૯થી પ્રાકૃતિક ખેતીના રંગે રંગાઈને આજે પોતાની બ્રાન્ડ વેલ્યુ ઉભી કરી છે. પોતાના પરિવારની ૧૯ વિઘા જમનીમાં ચોમાસા દરમ્યાન મગફળી, હળદર, મરચાનું વાવેતર કરે છે. મગફળીના દાણા અને તેલ કાઢીને વેચાણ કરે છે. જયારે હળદરનો પાવડર બનાવીને વેચાણ કરે છે. લીલા મરચા અને બાદમાં મરચા પાવડરનુંં વેચાણ કરે છે. શિયાળામાં રાય, ઘઉં અને ચણાનું વાવેતર કરે છે. ગ્રેડિંગ, શોર્ટીંગ કરીને પોતાના બાંધેલા ગ્રાહકોને સારૂ ખાવાનું પુરૂ પાડે છે. ચણામાંથી ચણાદાળ બનાવીને વેચાણ કરે છે.
આજે ખેડૂતો વર્ષમાં ત્રણ-ત્રણ પાકો લેતા થયા છે. જેની સામે જમીનમાં સેંદ્રિય તત્વો અને કાર્બનના અભાવે રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરવો પડે છે. આથી આ યુવા ખેડૂત ઉનાળુ વાવેતર કરતા નથી. જમીનને ખેડીને તપવા દે છે. હાલ ગુલાબનું વાવેતર પણ કર્યું છે. તેમાંથી શિયાળા દરમ્યાન ફુલોનું વેચાણ અને ઉનાળા દરમ્યાન ગુલકંદ બનાવીને વેચાણ કરશે.
પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં તકલીફો થઈ હતી પરંતુ આજે સફળતા મળી છે. ૧ર જેટલી ગાયો રાખે છે. જેમાંથી દૂધનું વેચાણ કરે છે. ગામડાઓમાં એક પધ્ધતિ- રિવાજ હતો. મહિલાઓ ગાય-ભેંસ રાખે અને પોતાના પરિવારની જરૂરિયાતો સંતોષાય પછીનું દૂધ-ઘીનું વેચાણ કરીને ઘરખર્ચ કાઢી લેતા. આજે પશુપાલન મૃતપાય થયું. તમામ ખર્ચ ખેતી ઉપર આવ્યો એટલે ખેતી પોસાતી નથી. સરકાર દ્વારા આયોજીત મિલેટ મહોત્સવ, અમૃત મહોત્સવ, આત્માના સ્ટોલ ઉપરથી વેચાણ કરે છે. ઉપરાંત પોતાની રીતે માર્કેટ ઉભું કર્યું છે. બોલો છે ને ખેડૂતનો દીકરો! મહેનતુ ભાવેશભાઈ નંદાનો સંપર્ક નં.૭૦૧૬પ૩૪૦૦૭ છે.
તિખારો : દરેક વખતે વિશ્વાસમાં ઠોકર ખાતો માણસ મજબુર બનીને એક દિવસ સંબંધને પણ જતો કરી દે છે.













































