અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકામાં કુંકાવાવ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ૬ પેટી (૭૨ બોટલ) ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવા જુના બાદલપુર બાજુથી વાવડીરોડ પરથી પસાર થતી એક ગ્રે કલરની સ્વિફ્‌ટ કાર (નંબરનો ઉલ્લેખ નથી)માં દારૂ હોવાની બાતમી વડીયા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન, શંકાસ્પદ સ્વિફ્‌ટ કારને રોકાવી તેની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી હતી. આ કારમાં સવાર યુવરાજ મેણસીભાઈ ખવડ અને ઉદય જીલુભાઈ ભાભલા નામના બે યુવકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.