“એ બીટ્ટુ! જો તો ખરી કેવો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે! ચાલને, વરસતા વરસાદમાં હોડી હોડી રમીએ! રમવાની મજા પડશે મજા!” – કીટ્ટુ કીડી હરખાતી હરખાતી બોલી. “અરે હા કીટ્ટુ! વરસતા વરસાદમાં હોડી હોડી રમવાની ખરેખર મજા પડશે! પણ કીટ્ટુ, તું જરા ઊભી રહે, હું હમણાં જ મીટ્ટુને બોલાવી લઉં.” – એમ કહેતાં બીટ્ટુ દોડતી મીટ્ટુને બોલાવવા ગઈ. બીટ્ટુ આમ ગઈ ને આમ પાછી આવી ગઈ. સાથે મીટ્ટુ પણ હતી. બધાં હોડી હોડી રમવા આતુર હતાં. અચાનક બીટ્ટુ બોલી, “અરે રુકો રુકો સબ, હોડી હોડી રમવા તો દોડ્યાં, પણ હોડી ક્યાં!” “અરે બાપ રે! એ તો ભૂલાઈ જ ગયું!” – બધાં એકસાથે બોલ્યાં.
“રુકો રુકો! હું આમ ગઈ ને આમ આવી” – એમ કહેતાં કીટ્ટુ દોડતી ગઈ ને દોડતી આવી. આવીને કહે, “લો આ કાગળ! ચાલો બનાવો હોડી! પછી જઈએ રમવા.” બધાં હોડી બનાવવા બેસી ગયાં. ઘડીભરમાં હોડી તૈયાર! લાલ, લીલી, પીળી રંગબેરંગી હોડી લઈ સૌ દોડ્યાં. દોડતાં ગયાં ને હોડી મૂકી વહેતા પાણીમાં. વહેતા પાણી સાથે હોડી સરરર સરરર કરતી દોડવા લાગી.
હોડી તરતી જાય ને બીટ્ટુ, મીટ્ટુ, કીટ્ટુ
પાછળ પાછળ દોડતાં જાય. ઘડીકમાં લીલી આગળ, ઘડીકમાં લાલ આગળ તો ઘડીકમાં
પીળી આગળ. આગળ-પાછળ પાછળ-આગળ. રંગબેરંગી હોડી જાય રમતી! રંગબેરંગી હોડી જાય તરતી! હોડી આગળ ને બીટ્ટુ, મીટ્ટુ, કીટ્ટુ પાછળ. દોડતાં જાય, રમતાં જાય ને તાળી પાડતાં જાય! એવામાં અચાનક એક મોટો ખાડો આવ્યો. ખાડામાં હોડી ફસાઈ ગઈ. પાછળ વહેતું પાણી આવતું હતું. બધુંય
પાણી હોડી પર ફરી વળ્યું. બધી હોડી ડૂબી ગઈ! બીટ્ટુ, મીટ્ટુ, કીટ્ટુ નિરાશ થઈ ગયાં ને બોલ્યાં, “અરેરે! આપણી હોડી તો ડૂબી ગઈ! હોડી હોડી રમવાની કેવી મજા પડી હતી! હવે શું કરશું! “અરે! એમાં વળી શું! હું બીજા કાગળ લઈ આવું છું. આપણે બીજી હોડી બનાવીશું.” – એમ કહેતાં કીટ્ટુ દોડતી ગઈ ને દોડતી આવી.
આવીને કહે, “લો આ કાગળ! ચાલો બનાવો હોડી! પછી જઈએ રમવા.” બધાં હોડી બનાવવા બેસી ગયાં. ઘડીભરમાં હોડી તૈયાર! લાલ, લીલી, પીળી રંગબેરંગી હોડી લઈ વળી પાછાં સૌ દોડ્યાં. દોડતાં ગયાં ને વહેતા
પાણીમાં હોડી તરતી મૂકી. વહેતા પાણી સાથે હોડી સરરર સરરર કરતી ફરી દોડવા લાગી. હોડી તરતી જાય ને બીટ્ટુ, મીટ્ટુ, કીટ્ટુ પાછળ દોડતાં જાય. હોડી આગળ ને બીટ્ટુ, મીટ્ટુ, કીટ્ટુ પાછળ. દોડતાં જાય, રમતાં જાય ને તાળી
પાડતાં જાય!
mo. ૯૦૯૯૧૭૨૧૭૭