આપણા સમાજમાં મોટાભાગની સ્ત્રીઓ પોતાની જરૂરિયાત કરતા ઓછો ખોરાક લે છે, જેથી તે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય પણ નબળું પડી જાય છે તથા આવનાર બાળકમાં પણ કુપોષણના ચિન્હો જોવા મળે છે. જેથી સગર્ભાવસ્થામાં જરૂરિયાત મુજબનો આહાર લેવો ખૂબ જરૂરી છે. સગર્ભાવસ્થામાં સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. વિવિધ તંત્રોની વધતી ક્રિયાઓ અને વધતું બાળક માતાના શરીર પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે.
આથી આ ગાળામાં માતાની વિશિષ્ટ સારવારની આવશ્યકતા હોય છે. જેથી બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારૂ રહે. સગર્ભાવસ્થામાં માતાને કેવા પ્રકારની આવશ્યકતા છે, તે જાણવું ખૂબ અગત્યનું છે. માતાની સંભાળ ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યને અસર કરે છે. જેથી સગર્ભા સ્ત્રીની ખોરાકની જરૂરિયાત રોજિંદો શ્રમ કરતી સ્ત્રી કરતા વધારે હોય છે. વિકાસ પામતા ગર્ભને પોષણ માતા પાસેથી મળે છે. આ ઉપરાંત માતાના શરીરમાં થઈ રહેલ ફેરફારના લીધે તેને કેલરી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષારોની વધારાની માત્રાની જરૂરિયાત હોય છે. આ બન્ને કારણોને લીધે જ સગર્ભા સ્ત્રીને પ્રમાણમાં વધુ ખોરાકની જરૂરિયાત હોય છે. કેટલાક ખનિજક્ષારોની અને વિટામિનોની જરૂરિયાત અન્ય ખનિજક્ષારો કે વિટામિનો કરતા વધુ હોય છે. જેવા કે, કેલ્શિયમ, લોહતત્વ અને વિટામીન-બી કોમ્પલેક્ષ. ફક્ત આહારની માત્રા જ નહિ, પરંતુ તેની ગુણવત્તા મહત્વની છે. પૌષ્ટિક ખોરાકમાં ફળ, લીલા શાકભાજી, દાળ, દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ કરવો જોઈએ. જે માતાઓ સમતોલ ખોરાક ખાય છે તેમનું સ્વાસ્થ્ય સગર્ભાવસ્થામાં સારૂ રહે છે અને તેઓને રોગો પણ ઓછા થાય છે. જે માતાઓ યોગ્ય આહાર લે છે, તેમના બાળકોનું સ્વાસ્થ્ય સારૂ હોય છે, તેમનામાં પ્રતિકારક શક્તિ વધુ હોય છે, જેથી તેમને શરદી, ઉધરસ અને શ્વાસને લગતા રોગ, ન્યુમોનિયા અને ધનુર જેવા રોગો થવાની શક્યતા ઓછી હોય છે. આનાથી વિપરીત જે માતાઓ આવી સ્થિતિમાં યોગ્ય આહાર નથી લેતી, તેઓના શિશુઓનું વજન જન્મ સમયે ઓછું હોય છે. જેથી તેનો પ્રતિકુળ પ્રભાવ શિશુના શારીરિક અને માનસિક વિકાસ પર થઈ શકે છે તથા તે બાળક વારંવાર માંદુ થઈ જાય છે, આહાર પણ સરખું લઈ શકતું નથી અને કુપોષણયુક્ત બને છે.
તેમ ન થાય તે માટે સ્ત્રીઓને કેટલા પોષક તત્વોની જરૂરિયાત છે તે જાણવું જરૂરી છે અને તે મુજબ આહાર લેવો જરૂરી છે.
કાર્બોદિત પદાર્થો – દા.ત. બધા અનાજ (મકાઈ, ઘઉં, ચોખા, જુવાર, બાજરી વગેરે) બટાકા, સૂરણ, ખાંડ, ગોળ વગેરે જે શરીરને શક્તિ પૂરી પાડે છે.
પ્રોટીન – દા.ત. કઠોળ (મગ, તુવેર, મઠ, ચણા, વટાણા, ચોળા, અળદ વગેરે) તેલીબિયા (મગફળી, સોયાબિન, તલ વગેરે) દૂધ, ઈંડા વગેરે.
ચરબી – તેલ, ઘી, માખણ, મલાઈ વગેરે શરીરને શક્તિ પૂરી પાડે છે.
કેલ્શિયમ – દૂધ, દહીં, છાશ, ચીઝ, તાંદળજો, મેથી, સરગવાના પાન વગેરે. (શરીરમાં કેલ્શિયમ સારી રીતે વપરાય તે માટે દરરોજ થોડો સમય તડકામાં રહેવું જોઈએ.)
પ્રજીવકો અને ક્ષારો (વિટામીન્સ અને મિનરલ્સ) – જુદા જુદા ફળોમાંથી મળી રહે છે. જે શરીરની વિવિધ પ્રક્રિયાઓ માટે ખૂબ જરૂરી છે.
લોહતત્વવાળા ખોરાક – ખજુર, અખરોટ, દ્રાક્ષ, બીટ, કઠોળ, બાજરી, રાગી, ગોળ, લીલા પાંદડાવાળા શાકભાજી.
લોખંડના વાસણમાં રાંધવાથી પણ આપણા ખોરાકમાં લોહતત્વ વધુ મળે છે. (ક્રમશઃ)








































