જુવાર પંખીઓની પસંદગીનો ખોરાક છે. જુવાર ને હિન્દી માં જુઆર અથવા પોનારી ના નામથી ઓળખવા માં આવે છે. જયારે અંગ્રેજીમાં Great Millet તથા લેટિન ભાષામાં AnsroopogenSrodhum તરીકે ઓળખવામાં આવે છે.
જુવાર ભારતમાં બધે થાય છે. ગુજરાત, માળવા, ખાનદેશ, વરાળ, ધારવાડ, તમિલનાડુ તથા મદ્રાસ, મહારાષ્ટ્રમાં વાવેતર થાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જુવારનું વાવેતર વધુ થાય છે. જેની ધોળી અને રાતી એમ બે જાતો થાય છે.
વરસાદ આધારીત વિસ્તારો માટે જુવાર, દાણા તેમજ ઘાસચારા માટેનો અગત્યનો પાક છે. જે ધાન્ય પાકોમાં વાવેતરની દ્રષ્ટીએ ત્રીજા ક્રમાંકે રહે છે. દક્ષિણ ગુજરાતમાં દાણા તરીકે, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં દાણા અને ચારા તેમજ એકલા ચારા માટે જયારે ડેરી વિકસીત વિસ્તારમાં એકલા લીલાચારા તરીકે કુલ અંદાજીત ૭.પ થી ૮ લાખ હેકટરમાં જુવારનું વાવેતર થાય છે. ચોમાસુ અને શિયાળુ ઋતુમાં જુવારની ઉત્પાદકતા અનુક્રમે પ૩૭ અને ૯૮૦ કિ.ગ્રા./હે. છે. ચોમાસુ ઋતુમાં ચારા તરીકે જુવારનું વાવેતર થતું હોવાથી તેની ઉત્પાદકતા શિયાળુ ઋતુની સરખામણીમાં ઓછી થવા પામી છે. પરંતુ જો ફકત દાણા તરીકે વાવેતર કરતા વિસ્તારને લક્ષમાં રાખતાં તેની ઉત્પાદકતામાં આશરે ૧૦૦૦ કિલો વધારો દેખાયો છે. ઉત્પાદકતામાં થયેલ આ વધારો ખેડૂતોએ અપનાવેલ જુવારની સુધારેલી અને સંકર જાતો તેમજ તેની સુધારેલી ખેતીપ્રથાને આભારી છે.
ગામડાના ગરીબ શ્રમજીવી વર્ગના લોકો જુવારના રોટલા ખાઈ ગુજરાન ચલાવે છે. જુવારનો પોંક તથા તેની ધાણી ખૂબ ખવાય છે. જુવારના છોડ ખેતરોમાં ૩ થી ૪ હાથ ઊંચા થાય છે. તેના પર મકાઈના પાન જેવા લાંબા પાન થાય છે. છોડ પર ગોળ ડૂંડી થાય છે. તે ડૂંડીમાં જુવારના દાણા થાય છે. જુવારના દાણા બાજરાથી મોટાં અને ગોળ હોય છે. જુવારના તાજા દાંડા (સાંઠા) શેરડી જેવા મીઠા હોઈ ખવાય છે. તેના લીલા સૂકા છોડ પાળતું દૂધાળાં ઢોરનો ઉત્તમ ચારો છે. તેને ‘કડબ’ કહે છે.
ગુજરાતમાં મુખ્યત્વે ઉનાળુ(માર્ચથી જૂનના પ્રથમ પખવાડીયા સુધી), ચોમાસુ (જૂનના બીજા પખવાડીયાથી સપ્ટેમ્બર સુધી) અને શિયાળુ(ઓકટોબરથી ફેબુ્રઆરી સુધી) એમ ત્રણ ઋતુઓમાં વાવણી થાય છે. વરસાદ, જમીનના લક્ષણો તેમજ હવામાનને લક્ષમાં રાખી પાડવામાં આવેલ ગુજરાતના આઠ આબોહવાકીય વિવિધ ઝોન પૈકી જુવાર મુખ્યત્વે ઝોન-ર(દક્ષિણ ગુજરાત) અને ઝોન-૩ (મધ્ય ગુજરાત)માં વવાય છે. જયારે અન્ય ઝોનમાં તેનું વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. જૂનાગઢનો ગેડ વિસ્તાર અને અમદાવાદના ભાલ વિસ્તારમાં તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં જુવારની વાવણી પાછોતર ચોમાસામાં કરવામાં આવે છે. હાલમાં, સંશોધન કામ મુખ્યત્વે ગુજરાતના સુકા વિસ્તારને અનુકૂળ એવી વહેલી પાકતી, ઠીંગણી તેમજ વધુ ઉત્પાદન આપતી અને રોગ-જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો વિકસાવવા પર કેન્દ્રીત છે. તેમ છતાં કેટલાક પરિબળો જુવારના ઉત્પાદન પર અસર કરે છે જે નીચે દર્શાવેલ છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે જુવાર દાણા માટે વવાય છે. જેમાં ખેડૂતો સ્થાનિક જાતો જે મોડા વાવેતર માટે અનુકૂળ છે. તેવી બીપી પ૩, સુરત ૧ અને જીજે ૧૦૮ અપનાવે છે. આ જાતોની ઉત્પાદકતા ખૂબ ઓછી તેમજ દાણા ફૂગગ્રાહ્ય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પુરતા પ્રમાણમાં હોય છે. આ સ્થાનિક જાતો વાવેતર હેઠળ હોવાથી બીજા પાકની સરખામણીમાં જુવાર જેવો પાક વધુ નફાકારક થઈ શકયો નથી. આથી વધુ ઉત્પાદકતા ઓછા ખર્ચે મેળવી શકાય. નવી વિકસાવેલ જાતો જેવી કે ગુજરાત જુવાર ૩૮, જીજે ૪૦ની દાણાની ગુણવત્તા દેશી જાતો જેવી છે. ખેડૂતોએ ગુજરાત જુવાર ૩૮, જીજે ૪૦, જીજે ૪૧ અને જીએસએચ ૧ તેમજ તેને અનુરૂપ વિકસાવેલ આધુનિક ખેતી પધ્ધતિઓ વધુ ઉત્પાદન મેળવવા માટે અપનાવવી જોઈએ. જુવારની સુધારેલી જાતો ઃ જુવારની સ્થાનિક જાતો: બીપી પ૩, સુરત૧, જીજે૧૦૮, બીસી ૯ (મોડા ચોમાસુ વાવેતર માટે)જુવારની સુધારેલી જાતો: જીજે ૩પ, જીજે૩૬, જીજે૩૭, જીજે૩૮, જીજે૩૯, જીજે ૪૦, જીજે ૪૧ જુવારની હાઈબ્રીડ જાતોઃ જીએસએચ૧, સીએસએચ પ, સીએસએચ૬, સીએસએચ ૧૧ હાઈબ્રીડ અને વધુ ઉપજ આપતી સ્થાયી જાતો માટે ચોમાસુ બેસતા અને સ્થાનિક જાતો માટે મોડું ચોમાસુ તરીકે એટલે કે ઓગષ્ટમાં વાવણી કરવી. ખાતર વ્યવસ્થાપનઃ બિયારણનો દર, અંતર અને છોડની સંખ્યા: બિયારણનો દર: ૧૦થી ૧ર કિલો / હેકટર અંતર: ૪પ × ૧ર થી ૧પ સે.મી. છોડની સંખ્યા: ૧.૮૦ થી ર.૦૦ લાખ / હેકટર બીજની માવજત: બીજને માવજત આપ્યા વગર વાવવાથી છોડની સંખ્યા ઓછી મળે છે. અને કીટકોથી થતું નુકસાન પણ વધે છે. એટલા માટે બીજને વાવતાં પહેલાં કાર્બાફયુરાન ૩પ એસ ૧૦૦ ગ્રામ / કિલો બીજનો ઉપયોગ કરવો. દાણાને બરાબર ચોંટે તે માટે દિવેલને સ્ટીકર તરીકે વાપરવું. પિયત વ્યવસ્થાપનઃ જો ચોમાસામાં પાછલો વરસાદ સારો હોય તો જુવારના પાકને પાણીની જરૂર
રહેતી નથી. આમ છતાં આ પાક જયારે ૩૦-૩પ દિવસનો થાય ત્યારે તેમજ ડુંડા નીકળવાના સમયે અને દાણા બંધાય ત્યારે પાણીનો ખેંચ હોય તો ઉત્પાદન ઘટે છે. જેથી પિયતની સગવડ હોય તો અવશ્ય આપવું. નીંદણ વ્યવસ્થાપનઃ જુવારના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જુવાર ઉગ્યા પહેલાં એગ્રોવીડોન -૪૮, ર.પ લિટર/હેકટર અથવા ૦.પ કિલોગ્રામ એટ્રાઝીન અથવા ૦.પ કિલોગ્રામ પ્રોપેઝીન પ્રતિ હેકટરે છાંટવું. આ ઉપરાંત એક આંતરખેડ અને વાવ્યા પછી ૩૦-૩પ દિવસે હાથથી એક નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આગિયાનો ઉપદ્રવ અટકાવવા માટે વર્ષોવર્ષ એ જ ખેતરમાં સતત જુવારની વાવણી ન કરતાં પાકની ફેરબદલી કરવી. રોગ અને જીવાત નિયંત્રણઃ ૧. સાંઠાની માખી ઃ ચોમાસુ ઋતુમાં જુવારની વાવણી કરવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ જુવારની વાવણી કરવી જોઈએ. જો વરસાદની શરૂઆત સાથે જ વાવણી શકય ન હોય તો જુવારના બીજને કાર્બોસલ્ફાન રપ એસ.ટી. જંતુનાશક દવાનો ૧૦૦ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે માવજત આપવી જોઈએ. ર. ગાભમારાની ઇયળ: કાપણી થયા બાદ તુરત જ જુવારના સાંઠા તેમજ જડિયાનો ખેતરમાંથી નાશ કરવો જેથી બીજા વર્ષ દરમ્યાન ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે છે. ગાભમારાની ઇયળના અસરકારક નિયંત્રણ માટે વાવણીના ૩૦ અને ૪૦ દિવસ બાદ દાણાદાર જંતુનાશક દવા પદાન (કારપેટ) ૪ દાણાદાર દવા, કવીનાલફોસ પ દાણાદાર દવાનો ૭.પ અને ૧૦ કિ.ગ્રા/હે. બે વખત ઉપયોગ કરવો જરૂરી છે. ફેરરોપણીથી જુવારના વાવેતરમાં જુવારના ધરુના મૂળને છ કલાક સુધી કાર્બોસલ્ફાન રપ એસ.ટી. ૦.૦૩પ અથવા મીથાઈલ ઓ-ડેમેટોન રપ ઈસી ૦.૦પ અથવા કલોરપાયરીફોસ રપ ઈસી ૦.૦પ ટકાના દ્રાવણમાં ડુબાડવાની માવજત કરવાથી ગાભમારાની ઇયળનું અસરકારક નિયંત્રણ થાય છે. ૩. પાનકથીરી: પાનકથીરીના નિયંત્રણ માટે દેશી જાતોમાં વાવણીના ૬૦ થી ૭૦ દિવસ બાદ જયારે સુધારેલ/સંકર જાતોમાં પ૦થી ૬૦ દિવસ મીથાઈલ-ઓ-ડેમેટોન ૦.૦રપ અથવા ફોર્માથીઓન ૦.૦રપ દ્રાવણનો છંટકાવ કરવો જરૂરી છે. ૪. કણસલાની મીજમાખી ઃ યોગ્ય ખેતીપ્રથા જેવી કે વહેલી વાવણી તેમજ એકસાથે પાકતી જુવારની જાતોનું વાવેતર કરી મીજમાખીના ઉપદ્રવને નાથવો હિતાવહ છે. પ. કણસલાના ચૂસિયા તેમજ ઈયળો: ફૂલ અવસ્થા દરમ્યાન મેલાથીઓન પ ભૂકીનો ૩૦ કિ.ગ્રા/હે. મુજબ છંટકાવ કરવાથી કણસલાના ચૂસિયા તેમજ ઈયળોનું અસરકારક નિયંત્રણ થાય છે. રોગો: ૧. જુવારનો મધિયો: જુવારના મધિયાથી બચવા માટે જુવારનું વાવેતર જુલાઈ માસના બીજા પખવાડીયા દરમ્યાન કરવું હિતાવહ છે. જેથી દાણા તેમજ ચારાનું વધુ ઉત્પાદન મળે. ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબુમાં લઈ શકાય છે. ર. દાણાની ફૂગ: દાણાની ફૂગના અસરકારક નિયંત્રણ માટે મેનકોઝેબ ૦.ર અને કેપ્ટાન ૦.ર અથવા થાયરમ ૦.ર અને કાર્બેન્ડિઝમ ૦.૦પ ટકા મિશ્રણના બે છંટકાવ, પ્રથમ ફુલ અવસ્થાની શરૂઆત થયે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ દિવસ બાદ કરવો જરૂરી છે. ૩. પ્રકાંડનો કાજલ સડો: વાવણી સમયે ફુગનાશક દવા ટીએમટીડી ૪.પ કિ.ગ્રા/હે. પ્રમાણે ચાસમાં આપવાથી આ રોગનું પ્રમાણ નહીવત જોવા મળે છે તેમજ દાણા તથા ચારાનું વધુ ઉત્પાદન મળે છે. કાપણી અને સંગ્રહ કાપણી: તમામ સુધારેલ / સંકર જાતો ર૦-ર૪% દાણાનો ભેજ હોય ત્યારે જ કાપણી કરવી યોગ્ય છે. આ સમયે કાપણી કરવાથી ૧૦ થી ૧પ % વધુ ઉત્પાદન મળે છે અને બીજો પાક લેવા માટે ૮ થી ૧૦ દિવસનો વધુ ગાળો મળે છે. સુકવણી અને સંગ્રહવ્યવસ્થા: જુવારના સુરક્ષિત સંગ્રહ માટે જુવારના દાણામાં ૧૦-૧ર ટકા જેટલો ભેજ રહે તે પ્રમાણે સૂર્યપ્રકાશમાં સુકવણી કરવી જોઈએ. ખેડૂતો સ્થાનિક પધ્ધતિ જેવી કે માટીની કોઠી, કોથળા તેમજ લોખંડના પીપમાં સંગ્રહ કરે છે. જુવારની સંગ્રહવ્યવસ્થા મુજબ તેનો સંગ્રહ હવાચુસ્ત લોખંડના ચોરસ કે ગોળ પીપમાં કરવો. વધુ ઉત્પાદન મેળવવા માટેની ચાવીઃ • ગુજરાત રાજયના વિવિધ ઝોન માટે ભલામણ કરેલી જુવારની સુધારેલ /સંકર જાતોની સમયસર વાવણી કરવી તથા ભલામણ કરેલ રા.ખાતર આપવું.
• વધુ વરસાદ વાળા વિસ્તારમાં ફેરરોપણીનો આગ્રહ રાખી ર૪ દિવસના ધરૂનો ઉપયોગ કરવો. • જુવારના પાક સાથે આંતરપાક તરીકે તુવેરનો ઉપયોગ કરવો. • પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ગાંઠ બાંધવાના સમયે, ફુલ અવસ્થા અને દાણા દૂધે ભરાવવાના સમયે ભેજની ખેંચ જણાય તો પિયત આપવું. ચોમાસુ ઋુતુમાં પાણીનો ભરાવો અટકાવવો. • ખેતર નિંદણથી મુકત રાખવું. જરૂર પડે પાક સંરક્ષણના પગલાં લેવાં. • પાકની કાપણી સમયસર કરવી. લીલા ચારા માટે ફૂલ અવસ્થા બાદ તુરત જ કાપણી કરવી. જુવાર એક ખાદ્ય અનાજ ઉપરાંત ઉત્તમ ઔષધિ પણ છે.
જુવાર મધુરી-તૂરી, લૂખી, શીતવીર્ય, અલ્પવીર્યવર્ધક, ક્ફકર્તા, ગ્રાહી(સંકોચક), આફરો કર્તા, વધુ સમયે પચનાર, પેશાબ લાવનાર, રુચિકર્તા, કફ-પિત્ત તથા રક્તવિકારોમાં લાભપ્રદ છે. સફેદ જુવાર-પથ્યકર, વીર્યવર્ધક અને શક્તિવર્ધક છે. તે ત્રિદોષ, હરસ, વ્રણ, ગુલ્મ અને અરુચિ નાશક છે. લાલ જુવાર – કફકારાક, ચીકણી, ભારે, શીતળ મધુર, પુષ્ટિકર્તા અને ત્રિદોષનાશક છે. કીડનીના દર્દોમાં જુવારનો ઉકાળો કરી અપાય છે. ૧) અંદરનો દાહઃ જુવારના લોટની ખાંડમાં રાબ બનાવી પીવી તથા લોટની રબડીમાં જીરું અને દહીં મેળવીને પીવું. ૨) શીળસઃ સાંઠાનો રસ કાઢી તેમાં થોડી હળદર મેળવી રસ પીવો તથા શરીરે માલિશ કરવો. ૩) સંધિવા પક્ષઘાતઃ જુવાર બાફીને વાટીને, તેમાં દિવેલ મેળવી, ગરમ કરી લેપ કરી, રૂ મૂકી શેક કરવો. ૪) દુષ્ટ કેન્સર, ભગંદર-દુષ્ટવ્રણઃ લીલી જુવારના દાણા વાટી તેનો દૂધીયો રસ લગાવો કે વાટ બનાવી મૂકવી ૫) આધાશીશીઃ પાનના રસમાં જરાક આદુનો રસ મેળવી નાકમાં ટીપાં નાંખવાં. ૬) કિડનીનું દર્દઃ જુવારના દાણાનો ઉકાળો કરી પીવાથી પેશાબ વધશે ને વિકાર મટશે. માત્રાઃ તાસીર મુજબ સેવન કરવું. જુવારમાં પોષક્તત્વોનું પ્રમાણ: જુવારમાં પ્રતિ ૧૦૦ ગ્રામે પાણીનો ભાગ ૧૧.૯%, પ્રોટીન-૧૦.૪%, ચરબી – ૧.૯%, કાર્બોહાઈડ્રેટ ૭૪.૦%, ખનીજ પદાર્થ ૧.૮%, કેલ્શિયમ ૦.૦૩%, ફોસ્ફરસ ૦.૨૮%, લોહતત્વ-૬.૨%, તથા વિટામિન એ અને બી પણ રહેલા છે. hemangidmehta@gmail.com








































