સાવરકુંડલા વિધાનસભામાં પણ ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિધાનસભામાં સાવરકુંડલા શહેરની શાળા નંબર ૧૦, જે.વી. મોદી હાઈસ્કૂલ, એ.કે. ઘેલાણી હાઈસ્કૂલ, સાવરકુંડલા તાલુકાની ધાર પ્રાથમિક શાળા, પિયાવા પ્રાથમિક શાળા, પી.પી.એસ. હાઈસ્કૂલ વંડા, અને લીલીયા તાલુકાની ખારા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, ગુંદરણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કસવાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલી આ પહેલના ૨૨મા વર્ષે ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫% થી વધીને ગૌરવપૂર્ણ રીતે ૧૦૦% થઈ ગયો છે. આ શાળા પ્રવેશોત્સવમાં નગરપાલિકા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.