(૧) ગાંજો વાવ્યો હોય એ ખેતરને શું કહેવાય?
દર્શન પટેલ (વડોદરા),
ગાંજાપટ્ટી
(૨) આંસુને કેમ ખબર પડી જતી હશે કે મારે આંખમાં આવવાનું છે?
બાવાભાઈ રાખોલિયા (ઉપલેટા)
એવું ન હોય. આંસુ આવે ત્યારે આપણને ખબર પડી જાય છે કે આપણે દુઃખી થવાનું છે.
(૩) દાબેલી ફૂલેલી હોય છે છતાં દાબેલી શા માટે કહેવાય છે ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
ફૂલેલી દાબેલીની જગ્યાએ તમે નવું કાઢો.. દાબી દીધેલી દાબેલી!
(૪) સાહેબ..! અક્કલ અને અક્કલમઠ્ઠામાં શું ફરક હોય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
અક્કલ હોશિયાર હોય. એ કદી અક્કલમઠ્ઠા પાસે ન જાય.
(૫) વરસાદમાં બહાર નીકળું તો ચશ્મા પલળી જાય અને ચશ્મા ન પહેરુ તો દેખાય નહી. કરવું શું ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
ચશ્મામાં વાઇપર ફિટ કરાવી દો.
(૬) ઉતાવળમાં ભૂલથી ફક્ત ગંજી ઉપર રેઈનકોટ પહેરીને ઓફિસે જતા રહીએ તો ઓફિસે જઈને શું કરવાનું?
કનુભાઈ પરમાર (દામનગર)
ઓફિસે જઈને શું કરવાનું એની ચિંતા કરવા કરતાં સાંજે ઘેર આવીને શું જવાબ આપવો એની ચિંતા કરો.
(૭) અમે તમને ક્યાંય યોગ કરતાં જોયા નહિ, વિશ્વ યોગ દિવસે તમે ક્યાં હતા ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
બોલો મારે યોગ પણ ગામની સામે કરવાના!
(૮) બાદશાહી એટલે શું?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
તમે તમને સૂઝે એવા સવાલ પૂછો અને હું સંજોગ ન્યૂઝ દ્વારા તમને ઘેર બેઠા જવાબ પહોંચાડું. તમારા માટે એ જ બાદશાહી!
(૯) કેટલાક લોકો સુખદ પળોને, ફૂલોની મહેકને, કોયલના ટહુકારને, નદીના નીરના સંગીતને, પક્ષીઓના કલરવને, પતંગિયાના રંગોને કેમ માણી શકતા નથી?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
તમે પરણેલાની વાત કરો છો ને, હે ને?!
(૧૦) બધા લોકો કઠપૂતળીની જેમ કેમ નાચે છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
કેમ કે હવે કઠપૂતળીઓએ નાચવાનું બંધ કર્યું છે.
(૧૧) આજના યુવાનોને માન મળે કે ના મળે પણ લોન સામેથી મળે છે? લોન લેવી કે માન લેવું?
પરમાર હર્ષિદા ટી (વા-સોજીત્રા પાટણ)
જે પરત આપી શકાય એ.
(૧૨) ટીપે ટીપે સરોવર ભરાય એનાથી મોટું કોઈ ઉદાહરણ આપશો? ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
નદીએ નદીએ દરિયો ભરાય.
(૧૩) વરસાદને અને ભજિયાંને આત્મીય સબંધ કેમ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
વરસાદનો ભરોસો નહીં. પેલા ઉનીઉની રોટલી અને કારેલાંનાં શાક સાથે આત્મીય સંબંધ હતો. કાલ વળી પિત્ઝા કે બર્ગર સાથે આત્મીયતા બાંધી બેસે.
(૧૪) કાગડાના માળામાં ઈંડા મૂકી જતી કોયલ માટે શું કહેશો? રમાબેન પટેલ (અમદાવાદ)
ઘૂસણખોર!
(૧૫) હું વહેમનું ઓસડ શોધવા માગું છું. તમે એમાં શું મદદ કરશો?
રામભાઈ પટેલ (સુરત)
હું તમને જોઈએ એટલા વહેમ પુરા પાડીશ.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..