અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી હતી. તેમની સાથે વિવિધ ટ્રક અને ગજરાજ પણ રથયાત્રામાં સામેલ થયા હતાં. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા હતાં. જો કે ખાડિયામાં અચાનક જ એક ગજરાજ બેકાબૂ થયો હતો

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૦ ગજરાજ જોડાયા હતાં. જેમાંથી એક ગજરાજ ખાડિયા પહોંચવા દરમિયાન અચાનક જ ભીડને જોઇને બેકાબૂ થઇ ગયો હતો. ગજરાજ લોકોને જોઇને અચાનક જ દોડવા લાગ્યો હતો. વધુ ઘોંઘાટના કારણે ગજરાજ બેકાબૂ થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.  જેને જોઇને ભગવાનના દર્શને આવેલા લોકો પણ ગભરાઇ ગયા હતા.આ ઘટનામાં કોઇપણ નુકસાન પહોંચ્યુ નથી. જો કે થોડા સમય માટે જ્યારે ગજરાજ બેકાબૂ બન્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ગજરાજ ભીડને જોઇને બેકાબૂ થતા અન્ય પોળમાં ઘુસી ગયો હતો. તે રેલિંગ તોડીને અન્ય પોળમાં ઘુસી ગયો હોવાની માહિતી સામે આવી છે. જો કે તબીબોની ટીમે આ ગજરાજને કાબુમાં લઇ લીધો હતો. ગજરાજને ઇન્જેક્શન આપીને તબીબોએ તેના પર કાબુ મેળવી લીધો હતો. જો કે આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રથયાત્રા સાથે જોડાયેલુ તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ.

આ ઘટનાના પગલે થોડી વાર માટે રથયાત્રાને રોકી દેવામાં આવી હતી. લગભગ ૧૦ મિનિટ જેટલા સમય માટે રથયાત્રા આ જ સ્થળે અટકી ગઇ હતી. ટ્રકોના પૈડા પણ થંભી ગયા હતા. જો કે તબીબો દ્વારા ગજરાજને કાબુમાં લઇ  લેવાતા આખરે સમગ્ર સ્થિતિ થાળે પડી છે અને તેના પહેલેથી નક્કી સમય મુજબ રથયાત્રા આગળ ધપી હતી. બેકાબૂ ગજરાજને રથયાત્રામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો