બાળકોની તંદુરસ્તી માટે અને સ્વસ્થ વિકાસ માટે ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. અમુક ઘરોમાં બંધિયાર વાતાવરણના કારણે પૂરતા હવા – ઉજાશ ન હોવાના કારણે ઘરમાં રહેતી વ્યક્તિઓને એકબીજાનો ચેપ ઝડપથી લાગે છે. તેમજ હવા અને તડકાના અભાવે જંતુનો નાશ થતો નથી અને જંતુઓની ઝડપથી વૃધ્ધિ થાય છે. એવું સ્પષ્ટ પણે જોવામાં આવ્યું છે કે, જે ઘરોમાં હવાની પૂરતી અવરજવર નથી તે ઘરોમાં શરદી – કફ – હાંફ – ન્યુમોનિયા જેવી બીમારી વધુ થાય છે. રૂમેટિક ફિવર નામે ઓડખાતી બીમારી ( જે હૃદયના વાલ્વને પણ નુકસાન પહોંચાડે છે.) પણ હવાની અવરજવર ઓછી હોય એવાં ઘરોમાં વધુ જોવા મળે છે. ધૂળ ડમરી સાથે ફૂંકાતો હોય તેવો પવન નુકસાન કરી શકે, પરંતુ ઘરોમાં ક્રોસ વેન્ટીલેશન હોવું આવશ્યક છે. સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન – ડી મળે છે. શહેરોમાં (તેમજ હવે તો ગામડાઓમાં પણ) વસ્તીની ગીચતાને કારણે મકાનોમાં અને શેરીઓમાં ભાગ્યે જ તડકો આવે છે. બાળકોને અપૂરતો તડકો મળવાથી એમને રીકેટસ (સુકતાન) નામની બીમારી થાય છે. જેમાં બાળકના હાડકા નબળા પડે છે. કપાળ ઉપસી આવે છે. પગ વાંકા રહે છે. પાંસળીઓમાં ખાડા પડે છે. આખા સ્થળે બૂરખો પહેરેલી સ્ત્રીઓનાં બાળકોમાં અચૂક વિટામિન – ડી ની ખામી જોવા મળે છે. અમુક નવા જન્મેલા બાળકોનાં શરીર પર પીળાશ જોવા મળે છે. જો આ પીળાશ ભયજનક માત્રામાં ન હોય તો બાળકને માત્ર સૂર્યના કુમળા તડકામાં રાખવાથી દૂર થાય છે. જેમ બને એમ બાળકોને શુદ્ધ હવા અને યોગ્ય સૂર્યપ્રકાશ મળી રહે તેવી જગ્યાએ રમવા દેવા જોઈએ જેથી કરીને બાળકોનું આરોગ્ય સારૂ રહે. બાળકોએ અત્યારના સમયમાં તેનું આરોગ્ય સારૂ રહે તે માટે ઉંમર પ્રમાણે અનુકૂળ હોય તેવા યોગ કરવા જોઈએ અને કસરત પણ ઉમર પ્રમાણે અનુકૂળ હોય તેવી કરવી જોઈએ. જેથી કરીને નાની ઉમરમાં સ્થૂળતા ન આવે અને આરોગ્ય સારૂ રહે અને તંદુરસ્તી વધે. hemangidmehta@gmail.com






































