જસદણના આટકોટ રોડ પર આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા જાણીતા કથાકાર મહેશભાઈ માનવંતરાય વ્યાસ (ઉ.વ. ૬૦) નું ગત રાત્રિના અકસ્માતમાં કરુણ નિધન થયું છે. તેમના અવસાનથી જસદણ પંથકમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશભાઈ વ્યાસ ગત રાત્રિના વાકિયા ગામેથી પોતાના બાઈક પર જસદણ પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક કલોરાણા ગામના પાટિયા પાસે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના અવસાનના સમાચાર મળતા જ કાળો કલ્પાંત સર્જાયો હતો. મૃતક મહેશભાઈ વ્યાસ વ્યવસાયે શિક્ષક હતા અને એક સારા કથાકાર તરીકે પણ તેમણે ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેમના નિધનથી જસદણ શહેરમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.