અમદાવાદ ખાતે બનેલી કરુણ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકોના દુઃખદ અવસાન થતાં, રાજુલા શહેરમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ સ્થળોએ અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ડેપો મેનેજર, સમગ્ર એસ.ટી. સ્ટાફ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સહિત સૌએ બે મિનિટનું મૌન પાળીને મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, રાજુલા ગાંધી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, ચેમ્બર ઓફ કોમર્સ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાજુલા ભારતીય જનતા પક્ષ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠ અને બે મિનિટનું મૌન રાખીને દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પણ જુમ્મા મસ્જિદ, ઘાંચીવાડ ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.