મિથુન ચક્રવર્તી, જે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે, તાજેતરમાં મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. BMC દ્વારા તેમને મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા તેમના પરિસરમાં અનધિકૃત બાંધકામ અંગે કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.બીએમસી દ્વારા ૧૦ મેના રોજ જારી કરવામાં આવેલી આ નોટિસ અનુસાર, મિથુન ચક્રવર્તી સામે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૪૭૫છ હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ કલમ એવી કોઈપણ વ્યક્તિ સામે લાગુ પડે છે જે અનધિકૃત બાંધકામ કરે છે અને તેને દૂર કરવામાં નિષ્ફળ જાય છે.
નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મલાડ એરંગલ વિસ્તારમાં આવેલ મિથુન ચક્રવર્તીના પરિસરમાં બે ગ્રાઉન્ડ ફ્લોર યુનિટ છે, જેમાં મેઝેનાઇન ફ્લોર બનાવવામાં આવ્યો છે. મેઝેનાઇન ફ્લોર એ આવો ફ્લોર હોય છે, જે બે માળ વચ્ચે ભાગરૂપે બનાવવામાં આવે છે. ઉપરાંત ત્યાં ત્રણ તાત્કાલિક બનાવાયેલા ૧૦ ૧૦ યુનિટ પણ છે, જે ઈંટના ચણતરની દિવાલો, લાકડાના પાટિયા, કાચના પાર્ટીશન અને AC શીટના છાપરાથી બનાવવામાં આવ્યા છે. નોટિસ મુજબ, આ બધું બાંધકામ BMCની પરવાનગી વિના અને નિયમોનાં ઉલ્લંઘનરૂપે કરવામાં આવ્યું છે.
મિથુન ચક્રવર્તી એ આ નોટિસના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે તેમનો પરિસર મલાડના એ ભાગમાં આવે છે જ્યાં હાલમાં બીએમસી બાંધકામોની ચકાસણી કરી રહી છે. તેમણે દાવો કર્યો છે કે, “મારા પરિસરમાં કોઈ ગેરકાયદેસર કે અનધિકૃત બાંધકામ નથી. આ વિસ્તારમાં દરેકને નોટિસ મળેલી છે અને અમે તેનું યોગ્ય રીતે જવાબ આપી રહ્યા છીએ.”બીએમસીએ તેમને નોટિસ મળ્યા પછી એક અઠવાડિયાનો સમય આપ્યો છે કે તેઓ સ્પષ્ટ કરે કે શા માટે આ બાંધકામ તોડવામાં ન આવે, ફેરફાર ન કરવામાં આવે કે તેની સ્થિતિ ફરી પુનઃસ્થાપિત ન કરવામાં આવે.
મિથુન ચક્રવર્તી વર્ષો સુધી ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા રહ્યા છે. તેમણે ઘણા હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમના અભિનયની અનોખી શૈલી તેમને એક અલગ ઓળખ આપે છે. તેમને મળેલી આ નોટિસ અને તેના જવાબે ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવ્યું છે. હવે જોવું રહ્યું કે બીએમસી તેમના જવાબથી સંતોષી થાય છે કે નહીં.