ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરવામાં આવ્યું ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ સંઘર્ષ વધુને વધુ ખતરનાક બની રહ્યો છે. વિદેશ મંત્રાલયે ભારતીય સેના સાથે મળીને પાડોશી દેશનો પર્દાફાશ કર્યો અને કહ્યું કે પાકિસ્તાન દ્વારા ભારતમાં ૨૬ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે. ફાઇટર જેટ દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, પાકિસ્તાની સેનાએ આગળના વિસ્તારોમાં સૈનિકો મોકલવાનું શરૂ કરી દીધું છે.
ભારત સરકારે આજે શનિવારે કહ્યું હતું કે છેલ્લા ૨-૩ દિવસમાં પાકિસ્તાનની કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. પંજાબમાં એરબેઝ સ્ટેશનો પર હુમલો કરવાનો પ્રયાસ કરતી વખતે તેની કાર્યવાહીને ‘ઉશ્કેરણીજનક અને આક્રમક કાર્યવાહી’ તરીકે જોવામાં આવી રહી છે. આ પ્રેસ બ્રીફિંગને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ સંબોધિત કરી હતી. આ દરમિયાન વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાને ભારતમાં ૨૬ સ્થળોએ હુમલો કર્યો છે.
જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં અનેક સ્થળોએ પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલાઓ શરૂ કર્યા બાદ ભારતે વળતો હુમલો શરૂ કર્યાના કલાકો પછી તેમનું બ્રીફિંગ આવ્યું. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સવારે ૫ વાગ્યાની આસપાસ અમૃતસર ઉપર અનેક પાકિસ્તાની ડ્રોનને અટકાવવામાં આવ્યા હતા અને એ પણ જાહેરાત કરી હતી કે તે દુશ્મનના આયોજનોને નિષ્ફળ બનાવશે. “પાકિસ્તાની સેનાને સરહદી વિસ્તારોમાં તેના સૈનિકો ખસેડતા જોવામાં આવ્યા છે,” કર્નલ સોફિયા કુરેશીએ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાને પંજાબમાં હાઇ-સ્પીડ મિસાઇલ છોડી અને શ્રીનગર, અવંતિપુરા અને ઉધમપુરમાં તબીબી સુવિધાઓ પર હુમલો કર્યો.
કુરેશીએ એમ પણ કહ્યું કે, “પાકિસ્તાનની આ હરકતોનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો.” તેમણે ખુલાસો કર્યો કે, “પાકિસ્તાની સેનાએ પંજાબના એરપોર્ટને નિશાન બનાવવા માટે રાત્રે ૧.૪૦ વાગ્યે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો.” કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને પશ્ચિમી સરહદ પર અનેક ભારતીય લશ્કરી સ્થળો પર હુમલો કરવા માટે ડ્રોન, લાંબા અંતરના હથિયારો, લડાકુ વિમાનો અને જેટનો ઉપયોગ કર્યો હતો.
સોફિયાએ કહ્યું કે ઉધમપુર, પઠાણકોટ, ભુજ એરબેઝને નુકસાન થયું છે. પાકિસ્તાની લડાકુ વિમાનોથી પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પહેલીવાર ફાઇટર જેટ અને લાંબા અંતરની મિસાઇલો વિશે માહિતી આપી. સેનાએ સ્વીકાર્યું કે સિયાલકોટ એર બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.
પાકિસ્તાનની ઉશ્કેરણી અને ભારતના સંયમ વિશે બોલતા, વિદેશ સચિવ મિસરીએ કહ્યું કે ભારતે પાકિસ્તાની કાર્યવાહીનો સંયમિત રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, “પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીએ ઉશ્કેરણી અને તણાવમાં વધારો કર્યો છે.” મિસરીએ ધાર્મિક સ્થળો પર મિસાઇલ ફાયર કરવાના પાકિસ્તાનના દાવાઓને પણ હાસ્યાસ્પદ ગણાવ્યા.
વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે મહત્વપૂર્ણ માળખાને નુકસાન પહોંચાડવાના પાકિસ્તાનના દાવા “સંપૂર્ણપણે ખોટા” છે. આ દરમિયાન, ભારતીય સેનાએ ભારતમાં વાયુસેના સ્ટેશનો અને એરબેઝના વિનાશ અંગેના પાકિસ્તાનના દાવાઓને રદિયો આપવા માટે સમયાંતરે ફોટા અને વીડિયો પણ બતાવ્યા.આ દરમિયાન, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, “ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર છે. બધી પ્રતિકૂળ ક્રિયાઓનો અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે ભારતે રહીમ યાર ખાનમાં પાકિસ્તાનના લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું, “પાકિસ્તાને પણ દૂષિત ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો. સુરતમાં આપણી જી-૪૦૦ સિસ્ટમ અને એરફિલ્ડનો નાશ કરવાના તેના દાવા ખોટા સાબિત થયા.” તેમણે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની કાર્યવાહીના જવાબમાં ફક્ત ઓળખાયેલા લશ્કરી લક્ષ્યો પર જ ચોક્કસ હુમલા કર્યા. ઉપરાંત, ભારત સરકારે આજે સવારે ફાઇટર જેટથી છોડવામાં આવેલા ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કરીને નૂર ખાન, રહેમિયાર ખાન, રફીકી, મુરીદ, સિયાલકોટ અને બે રડાર સ્થાનો પર હવાઈ હુમલાઓની પુષ્ટિ કરી. કુલ ૭ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.