સુરત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૬૮ શાળાઓ ફાયર એનઓસી વિના કાર્યરત હોવાનું જાણવા મળતાં શિક્ષણ વિભાગે ડીઇઓ-ડીપીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે ડીઇઓ-ડીપીઓએ દરેક શાળા પર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફાયર સેફ્ટી મુદ્દે લાલીયાવાડી કરનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. પખવાડિયામાં ફાયર એનઓસી મેળવવા સ્કૂલોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, સ્કૂલની માન્યતા રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી-ઇન-ચાર્જ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલ પાસેથી મળેલી માહિતી અનુસાર તક્ષશિલા આગની ઘટના પછી વિદ્યાર્થીઓની સલામતી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન, શિક્ષણ બોર્ડના નિયમો મુજબ, દરેક નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં, શાળાઓએ ફરજિયાતપણે ફાયર સેફ્ટી સાધનોની તપાસ કરવી પડે છે અને તેમના ર્દ્ગંઝ્ર પણ અપડેટ કરવા પડે છે. આ પછી તેમણે તેને ઓફિસમાં પણ સબમિટ કરવાનું રહેશે.

દરમિયાન, સુરત શહેરના લિંબાયત, ઉધના, પાંડેસરા, વરાછા, સચિન અને અડાજણ જેવા  વિસ્તારોની ૨૬ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં માત્ર ૨ શાળાઓએ જરૂરી દસ્તાવેજા રજૂ કર્યા હતા, જ્યારે અન્ય ૨૪ શાળાઓએ આંખ આડા કાન કર્યા હતા. આ કારણે જિલ્લા શિક્ષણાધિકારી ડા. ભગીરથસિંહ પરમારે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દરેક શાળાઓ પર ૧૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ૪૪ શાળાઓ ફાયર એનઓસી વિના ચાલી રહી હતી.

તેથી, ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલે કાર્યવાહી કરી અને તમામ શાળાઓ પર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. સુરત શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર એનઓસી વિના શાળા ચલાવવી વિદ્યાર્થીઓની સલામતી માટે જોખમી છે. અમે કાયદાનો અમલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને બેદરકારી દાખવનારી શાળાઓ પર કડક દંડ લાદવો જોઈએ. વિદ્યાર્થીઓની સલામતી માટે દરેક શાળાએ ફાયર એનઓસી મેળવવું ફરજિયાત છે. કાયદાનું પાલન કરવામાં બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.