એક હતો અલ્લુ ઉંદર. અલ્લુ બધા ઉંદરો માટે ગુપ્તચર જેવું કામ કરતો. ઘર, ગોદામ, ખેતર બધે ફરી વળે. ગમે ત્યાંથી અનાજનો ખજાનો શોધી કાઢે અને એના સાથી ઉંદરો સુધી અનાજની ખબર પહોંચાડે. જ્યાં જેવી ભાળ મળે એ લોકેશન મોકલી દેતો. કોઈ ખતરો જણાય કે તરત સૌને જાણ પણ કરી દેતો. અનાજના ખજાનાની ભાળ મળતાં જ ચૂં… ચૂં… ચૂં… કરતી ઉંદરસેના તૂટી પડે. બધું કાતરી કાઢે ને ખાઈ જાય. જે દિવસે અલ્લુ કોઈ અનાજની ભાળ મેળવતો એ દિવસે ઉંદરસેના માટે પાર્ટી થઈ જતી. ક્યારેક અલ્લુ ખજાના સુધી પહોંચવા નકશો બનાવતો. અને નકશા વડે ખજાના સુધી શી રીતે પહોંચવું તેની સમજ આપતો.
એક વખત અલ્લુ ઘણાં ઘર ફર્યો. પણ એને અનાજનો એક દાણોય હાથ ન લાગ્યો. ક્યારેક મળે તો દવાની ગંધથી એ પાછો વળી જતો. અલ્લુ પોતાના સાથીદારોને સાવચેત રહેવાની શિખામણ આપતાં કહેતો, “જુઓ ભાઈઓ, આ માણસજાત આપણાથી છૂટકારો મેળવવા અવનવા પેંતરા કરે છે. આપણે ઘણું જ સાવચેત રહેવાનું છે. એમની જાળમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખજો. ગઈકાલે જ આપણો એક સાથી લાલ ચટ્ટાક ટામેટું જોઈ લલચાઈ ગયો. પણ જેવું એણે ટામેટું ખાધું એ મોતને ભેટ્યો. અને હા, પેલા સાપ તો આપણા દુશ્મન છે જ. આપણો શિકાર કરવા ક્યાંક લપાઈને ટાંપીને બેઠા જ હશે! અલ્લુએ સૌને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી.” અલ્લુની શિખામણ સૌને ગળે ઊતરી. સૌએ અલ્લુની વાત માની એ પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું.
એક વખત અલ્લુને મોટા અનાજના ગોદામની ભાળ મળી. એણે જરૂરી બધી તપાસ કરી લીધી. બધું બરાબર જણાયું. એણે પોતાના સાથીઓને લોકેશન મોકલી દીધું. લોકેશન મળતાં જ ઉંદરસેના સાવધ થઈ ગઈ. ચૂં… ચૂં… ચૂં… કરતી ઉંદરસેના લોકેશન તરફ નીકળી પડી. પણ અલ્લુ જે જગ્યાએ હતો ત્યાં વધુ સાવધાનીની જરૂર હતી. અહીં ઉંદરસેનાને પકડવા ખાસ વ્યવસ્થા થઈ હતી. અલ્લુને એની જાણ થતાં જ તે સાબદો થઈ ગયો. એણે તરત એના સાથીઓને જાણ કરવા મોબાઈલ કાઢવા પ્રયત્ન કર્યો. પણ આ શું! મોબાઈલ ક્યાંક પડી ગયો હતો. અલ્લુ ચિંતામાં પડ્‌યો. મારા સાથીઓને જાણ શી રીતે કરવી! હમણાં એ બધાં અહીં પહોંચી જશે. શું કરવું! શું ન કરવું! અલ્લુ વિચારવા લાગ્યો.
અલ્લુ આમતેમ દોડવા લાગ્યો. બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યો. પણ ક્યાંય રસ્તો ન જડ્‌યો. સાવધ પણ રહેવાનું હતું. આખરે ગોદામના છાપરે થઈને બહાર નીકળવા વિચાર્યું. પણ આ રસ્તો ખતરનાક હતો. અલ્લુએ સાહસ કર્યું. ધીરેધીરે એ આગળ વધ્યો ને ઊંચે ચઢ્યો. આખરે એ ઉપર થઈને છેક બહાર પહોંચી ગયો. દોડ્‌યો, ખુબ દોડ્‌યો, ઝડપી દોડ્‌યો. જોયું તો ઉંદરસેના ગોદામ તરફ આગળ વધી રહી હતી. અલ્લુ ઝડપથી ત્યાં પહોંચ્યો અને સૌને રોકયાં. બધાંને ગોદામમાં રહેલા ખતરાથી વાકેફ કર્યા. અલ્લુની વાત સાંભળી ઉંદરસેના પાછી વળી. અલ્લુના સાહસ અને સાવચેતીથી બધાં બચી ગયાં. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭