અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા એમ ચાર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ સાત બેઠકોની પેટાચૂંટણી માટે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નગરપાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણી માટે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. લાઠી નગરપાલિકામાં કુલ ૬૭ ફોર્મ, જાફરાબાદ ન.પા.માં કુલ પ૭, રાજુલામાં ૮૯, ચલાલામાં ૪૮ ફોર્મ રજૂ થયા હતા. જયારે સા.કુંડલાના એક વોર્ડ માટે ૪ ફોર્મ, અમરેલીના બે વોર્ડ માટે ૮ ફોર્મ, દામનગરના બે વોર્ડ માટે ૪ ફોર્મ રજૂ થયા હતા. કરીયાણા તા.પં. સીટ માટે ૧ ફોર્મ, મીઠાપુર ડુંગરી માટે ૩ ફોર્મ ભરાયા હતા.