ધોરાજીના શહેરી વિસ્તારમાં ગેરકાયદે થયેલા દબાણ દૂર કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કામગીરી ચાલી રહી છે. પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા, ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ પોલીસના બંદોબસ્ત વચ્ચે ગતરોજ વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવા માટે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ધોરાજીના ત્રણ દરવાજાથી ચુનારાપા વિસ્તારમાં આઠ ઈસમોના દબાણની અંદાજિત ૭૫ લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પટેલ સાંસ્કૃતિક ભુવનથી બ્લુ સ્ટાર સિનેમાવાળા રોડ તરફ ૩૦ આસામીના કબ્જા હેઠળની અંદાજે એક કરોડની કિંમતની ૬૫૦ ચોરસ વાર જમીન ખાલી કરાવાઈ હતી. શહેરના પીપરવાડી વિસ્તારમાં અંદાજે ૧૦ જેટલા આસામીઓ દ્વારા ગેરકાયદે કરાયેલ દબાણ હટાવાયું હતું જેમાં બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. ધોરાજી શહેરમાં ગતરોજ ગેરકાયદે દબાણો પર કરવામાં આવેલા ડિમોલિશનમાં ૨૧૫૦ ચોરસ વાર જગ્યા ૩ કરોડ ૨૨ લાખથી વધુ રકમની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી.