‘‘હું જંગલનો રાજા સિંહ છું. જંગલનાં બધાં પ્રાણીઓ મારાથી ડરે છે. મારી ઈચ્છા થાય ત્યારે કોઈ પણ પ્રાણીનો શિકાર હું કરી શકું છું. મારાથી બળવાન કોઈ નથી. મારી રજા સિવાય આ જંગલનું એકેય પાંદડું હલી શકે તેમ નથી. મારી આસપાસ એક ચકલુંય ફરકી શકે તેમ નથી. આ જંગલમાં હું જ સર્વશ્રેષ્ઠ અને બળિયો છું.’’ – હાહાહા… હાહાહા… પોતાની શક્તિ પર અભિમાન કરતાં સિંહે વિચાર્યું ને ત્રાડ નાખી.
સિંહની ત્રાડ સાંભળી આખુંય જંગલ શાંત થઈ ગયું. સૌ પંખીઓ આકુળવ્યાકુળ થઈ આમતેમ ઊડવા લાગ્યાં. સૌ પક્ષીઓ ભયનાં માર્યાં આમતેમ દોડવા લાગ્યાં. પશુ-પંખી ડરીને જ્યાંત્યાં લપાઈ ગયાં. જંગલમાં સિંહની આડોળાઈ વધતી જતી હતી. એ અભિમાની ને નિરંકુશ બની ગયો હતો. પોતાની શક્તિનો દુરુપયોગ કરી એણે સમગ્ર જંગલ બાનમાં લીધું હતું.
સિંહના ત્રાસમાંથી છૂટકારો મેળવવા બધાં પ્રાણીઓએ એક થવાનું વિચાર્યું. હાથી કહે, ‘‘સૌ પ્રાણીજગતને આ કદાવર લાંબી સૂંઢાળા ગજરાજના નમસ્કાર. મુશ્કેલીના સમયે આપ સૌની એકતા જોઈ આનંદ થયો. દિવસે ને દિવસે સિંહની પજવણી વધતી જાય છે. આપણે એને પાઠ ભણાવવો જ રહ્યો. આપણે કંઈક ઉપાય વિચારવો જ રહ્યો.’’
ગજરાજની વાત સૌના ગળે ઊતરી. પણ સિંહનો સામનો કરવો શી રીતે એ મોટો પ્રશ્ન હતો. ચતુર શિયાળ આગળ આવ્યું ને બોલ્યું, ‘‘ગજરાજ, આપની વાત સાથે હું સંમત છું. પણ બળિયા સિંહ સામે બાથ ભીડશે કોણ? એની સામે થવાની હિંમત કોઈનામાં છે ખરી? એની સામે પડવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે.’’ ચતુર શિયાળની વાત સાંભળી સૌ શાંત થઈ ગયાં.
સૌ પ્રાણીઓની ચર્ચા એક મધમાખી સાંભળી રહી હતી. એણે આ પ્રાણીઓને મદદ કરવાનું વિચાર્યું. એ ઊડતી-ઊડતી સભામાં પહોંચી ને પોતાની વાત મૂકી. એ બોલી, ‘‘જુઓ, તમે ઇચ્છો તો હું મદદ કરી શકું તેમ છું. હું ભલે કદમાં નાની રહી. પણ મારી પાસે એક પરમ શક્તિ છે. જેના વડે હું કોઈ મોટા ને શક્તિશાળી પ્રાણીને પણ વશમાં કરી શકું છું.’’ સૌને મધમાખીની વાતમાં વિશ્વાસ બેઠો. બધાં પ્રાણીઓને મુશ્કેલીમાંથી બહાર નીકળવાની આશા બંધાઈ. સૌ મધમાખીની વાત સાથે સંમત થયાં.
નાનકડી મધમાખીએ સિંહને પાઠ ભણાવવાનું બીડું ઝડપ્યું. એ તો ઊડતી ઊડતી પહોંચી સિંહ પાસે. સિંહ ઘોર નિંદ્રામાં હતો. એના કાન પાસે જઈ એ ગણગણાટ કરવા લાગી. સિંહની ઊંઘ બગડી. પોતાની આસપાસ એને ઊડતી જોઈ અકળાયો ને ત્રાડ નાખતાં બોલ્યો, ‘‘એય મધમાખી, તું આટલી ઝીણકી થઈ આ જંગલનાં રાજાની સામે પડવા નીકળી છે! તને ખબર છે તે કોની સામે બાથ ભીડી છે. મારી શક્તિ સામે તારી શી વિસાત!’’ એમ કહેતાં સિંહે મધમાખીને પકડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. મધમાખી આમ ઊડે ને તેમ ઊડે. કેમ કરતાંય સિંહના હાથમાં ન આવી.
મધમાખીએ સિંહને કહ્યું, “હું નાની છું એ સાચું. પણ મારો મુકાબલો કરવો તમારા માટે કઠિન થઈ પડશે. જરા વિચારીને આગળ વધજો. તમારી માટે મારો એક ડંખ કાફી છે.’’ મધમાખીની વાત સાંભળી સિંહ આકુળવ્યાકુળ થઈ ગયો. એને વશ કરવા સિંહે ઘણી મહેનત કરી જોઈ. પણ એની કોઈ કારી ફાવી નહિ. મધમાખીનું ઝૂંડ આવી ગયું હતું. આખુંય ઝૂંડ સિંહ પર તૂટી પડ્યું. બળિયો સિંહ નાનકડી મધમાખીની એકતા અને શક્તિ સામે નિર્બળ હતો. એ ઢળી પડ્યો ને શાંત થઈ ગયો. પોતાને મહા બળવાન સમજનાર વનરાજ લાચાર થઈને લોથપોથ પડ્યો હતો. હવે એ કશુંય કરી શકે તેમ નહોતો. આખાય જંગલમાં ખુશીની લહેર છવાઈ ગઈ. MO. ૯૦૯૯૧૭૨૧૭૭