લીલીયાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે આજે વહેલી સવારે એક સિકલ સેલ પોઝિટિવ ગર્ભવતી મહિલાની અત્યંત જોખમી પરિસ્થિતિમાં સફળ પ્રસૂતિ કરાવીને માતા અને બાળક બંનેના જીવ બચાવ્યા હતા. સવારે ૫ઃ૦૯ કલાકે લુવારીયા ગામના વાડી વિસ્તારમાંથી પ્રસૂતિનો કોલ મળતાં EMT વિશાલ પડસાલા અને પાયલોટ શૈલેષ ખોરાસિયાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સિકલ સેલ પોઝિટિવ દર્દીને અમરેલી જનરલ સિવિલ હોસ્પિટલ ખસેડવાની જરૂરિયાત હતી, પરંતુ રસ્તામાં જ પ્રસવ પીડા વધી જતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. અનુભવી EMT અને પાયલોટની ટીમે સાતમા મહિને અધૂરા માસે થયેલી આ પ્રસૂતિ સફળતાપૂર્વક કરાવી હતી. પ્રસૂતિ બાદ બાળકના હૃદયના ધબકારા ઘટી જતાં ટીમે તાત્કાલિક છાતી પર દબાણ (CPR), કુદરતી શ્વાસ (BVM) અને ઓક્સિજન થેરાપી દ્વારા બાળકને જીવનદાન આપ્યું હતું.