ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) અમરેલી દ્વારા પ્રેરિત અને બીઆરસી ભવન ખાંભા દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગીદરડી પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર યોજાયું હતું. આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ૬૪ વિદ્યાર્થી વૈજ્ઞાનિકોએ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન કરતી ૩૨ નવતર કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીના પ્રાચાર્ય નિલેશભાઈ ચાંપાનેરી ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેમનામાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ અને વૈજ્ઞાનિક અભિગમ વધુ મજબૂત બને.