દિલ્હીમાંથી ઝડપાયેલા રુ. ૫૦૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પંજાબમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ જિતેન્દ્ર પ્રીત ગિલ છે અને તે બ્રિટનનો રહેવાસી છે, પરંતુ ભારતીય નાગરિક છે. દિલ્હી પોલીસ આજે સવારે તેને દિલ્હી લાવી છે. હવે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવશે અને પછી પૂછપરછ કરવામાં આવશે.
ગત બુધવારના રોજ દિલ્હી પોલીસે આંતરરાષ્ટÙીય ગેંગનો પર્દાફાશ કરીને ચાર સ્મગલર તુષાર ગોયલ, હિમાંશુ કુમાર (૨૭), ઔરંગઝેબ સિદ્દીકી (૨૩) અને ભરત કુમાર જૈનની (૪૮) ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ૪૦ વર્ષીય તુષાર ગોયલ મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે.
દિલ્હી પોલીસે મહિપાલપુરમાં આરોપીના વેરહાઉસમાંથી ૫૬૨ કિલો કોકેઈન અને થાઈલેન્ડનો ૪૦ કિલો હાઈડ્રોપોનિક ગાંજા જપ્ત કર્યો છે. ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ વિદેશથી મહારાષ્ટ્રના એક બંદરે આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સના આ કન્સાઈનમેન્ટની કિંમત ૨૦૦૦ થી ૫૦૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અધિકારીએ કહ્યું કે, આ લોકોની યોજના દિલ્હી અને અન્ય શહેરોમાં સંગીત સમારોહ અને પોશ વિસ્તારમાં મોટી માત્રામાં ડ્રગ્સનું વિતરણ કરવાની હતી. પોલીસે જૂથના અન્ય સભ્યોને પકડવા માટે ઘણી ટીમો બનાવી છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ભારત અને વિદેશના લગભગ એક ડઝન લોકો મધ્ય પૂર્વના દેશોમાંથી ભારતમાં પ્રતિબંધિત દવાઓની દાણચોરીમાં કથિત રીતે સામેલ છે.
આરોપી તુષાર ગોયલની સોશિયલ મીડિયામાં હાજરીથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથેની ઘણી તસવીરો સામે આવી છે. તેની કથિત ફેસબુક પ્રોફાઇલમાં વાઘની તસવીર છે, એવું માનવામાં આવે છે કે, તે ભારતીય યુથ કોંગ્રેસના દિલ્હી રાજ્ય આરટીઆઇ સેલ ડીવાયપીસીના પ્રમુખ છે. જાકે, ભારતીય યુથ કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે, ગોયલને ૧૭ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ હાંકી કાઢવામાં આવ્યા હતા.