વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ યુગમાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે ૨૫ આૅક્ટોબર ૨૦૧૧ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહેલ શરૂ કરી હતી, જેને ૨૦૧૫માં ભારતનેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું. ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબક્કાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) નામના SPV (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ)ની સ્થાપના કરી હતી, જેના અંતર્ગત ૨૨ જિલ્લાઓમાં ૩૫,૦૦૦થી વધુ કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ભારતનેટ ફેઝ-૨ અંતર્ગત ૮,૦૩૬ ગ્રામ પંચાયતોમાં ૧૦૦ Mbps સુધીનું હાઈસ્પીડ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને ગ્રામ પંચાયત દીઠ ૧૨ ફાઇબરનું પ્રાવધાન કર્યું છે. હાલમાં રાજ્યમાં ૩૦૦ સ્થાનોએ GSWAN (જિલ્લા અને તાલુકા મથક) સાથે ભારતનેટ નેટવર્કનું સીમલેસ વર્ટિકલી એલાઈનમેન્ટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતનેટ પહેલાં રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ ૧૦૦ Kbps જ હતી, જે હવે ૧૦૦૦ ગણી વધીને ૧૦૦ Mbps સુધી પહોંચી ગઈ છે.