અંતે ‘83’ રીલીઝ થઈ ગઈ.

આઝાદ ભારતના ઈતિહાસની સૌથી ગૌરવપૂર્ણ ઘટનાઓમાં એક ઘટના કપિલદેવના નેતૃત્વમાં ભારતે જીતેલો 1983નો ક્રિકેટ વર્લ્ડકપ વિજય છે. કપિલદેવની સાવ નબળી ગણાતી ટીમ કઈ રીતે કોઈ પણ પ્રકારની સગવડો વિના પ્રતિકૂળ સંજોગોમાં વર્લ્ડ ચેમ્પિયન બની તેની ગાથા બહુ રોચક અને રોમાંચક છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી મેચથી શરૂ કરીને વેસ્ટ ઈન્ડિઝ સામેની જ ફાઈનલ સુધીની તમામ મેચોમાં કપિલદેવની ટીમે જે ચડાવઉતાર જોયા એ કોઈ થ્રીલર જેવા હતા. ભારતની લીગ સ્ટેજની ઝિમ્બાવે સામેની પહેલી મેચને બાદ કરો તો બાકીની તમામ મેચ એવી હતી કે ક્રિકેટ ચાહકો કદી ના ભૂલી શકે.

આ તમામ મેચોની વાત પહેલાં કરી છે તેથી એ દોહરાવતા નથી પણ કબીરખાને ‘83’માં આ તમામ મેચોની પહેલાં અને પછી ભારતીય ક્રિકેટ ટીમમાં જે માહોલ હતો તેને બખૂબી બતાવ્યો છે એવું મોટા ભાગના ફિલ્મ ક્રિટિક્સ માને છે. ‘83’ રીલીઝ થઈ ગઈ એ પહેલાં યોજાયેલા ફિલ્મના પ્રીમિયરને જોયા પછી કપિલદેવ અને સુનિલ ગાવસકર જેવા 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્યોએ તેને વખાણી હતી. ગાવસકરે તો પોતે ફિલ્મ જોઈને દિગ્મૂઢ થઈ ગયા છે એવી પ્રતિક્રિયા આપી હતી તેથી ફિલ્મ જોવા જેવી તો હશે જ એવું સૌને લાગતું હતું પણ ઘણા વિવેચકોને આ ફિલ્મ ગાવસકર કરતાં પણ વધારે ગમી છે.

મોટા ભાગના ક્રિકેટ વિવેચકોના મતે કબીર ખાન દ્વારા નિર્દેશિત ‘83’ ટીપીકલ બોલીવુડ મૂવી છે કે જેમાં દર્શકોનું મનોરંજન કરવા માટેના બધા મસાલા છે. આપણી સ્પોર્ટ્સ પરની બોલીવુડ મૂવીમાં ભાષણબાજી અને ઉપદેશનો જોરદાર ડોઝ હોય છે. સાથે સાથે પરાણે ઘૂસાડેલા લાગણીવેડા, લડાઈઓ અને  દેશભક્તિ વગેરેનો મારો પણ હોય છે. ‘ચક દે ઈન્ડિયા’માં કોચ કબીર ખાન બનતો શાહરૂખ ફાઈનલ પહેલાં છોકરીઓને ‘યે ચાલીસ મિનિટ તુમ સે કોઈ નહીં છિન સકતા’ની સ્પીચ આપે કે ‘દંગલ’માં મહાવીર ફોગટ અને કોચ વચ્ચે ગીતાએ કઈ રીતે લડવું એ મુદ્દે લડાઈ થાય એ પ્રકારના સીન અવાસ્તવિક લાગે છતાં ફિલ્મમાં હોય છે કેમ કે આ બધા દર્શકોને ખુશ કરવાના મસાલા છે. ‘83’માં પણ આ બધા મસાલા  છે એવો બહુમતી વિવેચકોનો અભિપ્રાય છે.

ઘણા વિવેચકો ફિલ્મ પર એ હદે ઓળઘોળ છે કે, ‘83’ને બોલીવુડની અત્યાર સુધી આવેલી શ્રેષ્ઠ ડ્રામા ફિલ્મ ગણાવી રહ્યા છે.

આ અભિપ્રાય સાચો છે કે નહીં એ સમય કહેશે. વિવેચકોને ગમેલી ફિલ્મ દર્શકોને પણ એચલી જ ગમે છે કે નહીં તેની ખબર એકાદ અઠવાડિયામાં પડી જશે  પણ ભારતમાં સ્પોર્ટ્સની વાસ્તવિક ઘટનાઓ પર બનેલી ઘણી એવી સ્પોર્ટ્સ ફિલ્મ આવી જ છે કે જે લોકોને ખૂબ પસંદ પડી છે.

એક નજર આ ફિલ્મો પર નાંખી લઈએ.

////////////////////

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ‘દંગલ’નું આવે.

નિતેશ રાય નિર્દેશિત ‘દંગલ’ આમીર ખાનના અદભૂત અભિનયના કારણે સૌને યાદ રહી ગઈ છે. ‘દંગલ’ હિન્દી ફિલ્મના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. હરિયાણાના કુશ્તીબાજ મહાવીરસિંહ ફોગાટ આર્થિક તંગીના કારણે ભારતને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ અપાવવાનું સપનું પૂરું ના કરી શક્યા પણ પોતાની બંને દીકરી ગીતા અને બબિતાને કુશ્તીબાજ બનાવવા બધી તાકાત લગાવી દીધી. ગીતા ફોગાટે કોમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને મહાવીરસિંહનું સપનું પૂરું કર્યું.

નિતેશ રાયે બનાવેલી હળવી શૈલીની ‘દંગલ’ ક્લાસિક કલ્ટ મૂવી છે. ગમે તેટલી વાર જુઓ, મજા જ પડે એવી. મહાવીર ફોગાટના રોલમાં આમીર છવાઈ ગયો છે.

આ યાદીમાં બીજું નામ ‘પાનસિંહ તોમર’નું આવે.

પાનસિંહ તોમર ભારતીય લશ્કરમાં સૌનિક હતો ને આશાસ્પદ દોડવીર હતો. નેશનલ ગેમ્સ અને ઈન્ટરનેશનલ મિલિટરી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા પાનસિંહે જમીનના ઝગડામાં ન્યાય ના મળતાં બંદૂક ઉઠાવી અને ડાકુ બની ગયો. ઈરફાન ખાનને ડાકુ પાનસિંહ તોમરના રોલમાં રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને બહુ ગમી હતી ને વિવેચકોએ તો ભરપૂર વખાણ કરેલાં.

જાણીતા દોડવીર મિલ્ખા સિંહના જીવન પરથી બનેલી ‘ભાગ મિલ્ખા ભાગ’ પણ સફળ થઈ હતી. દેશના ભાગલા સમયે પોતાન બધું ગુમાવનારા મિલ્ખા સિંહને તેની બહેને ઉછેર્યો હતો. ગરીબ પરિવારમાં ઉછરેલો મિલ્ખા કઈ રીતે ભારતના ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ પુરૂષ એથ્લેટ બન્યો તેની વાત બહુ રસપ્રદ રીતે રજૂ કરાયેલી. મિલ્ખાની પાકિસ્તાની એથ્લેટ જબ્બાર સાથેની રેસ ફિલ્મની હાઈલાઈટ હતી.

////////////////////

‘સૂરમા’ પણ રીયલ લાઈફ સ્પોર્ટ્સ ડ્રામા કેટેગરીમાં બનેલી અદભૂત ફિલ્મ છે.

ભારતીય હોકી ટીમમાં ફ્લિકર સિંહ તરીકે જાણીતા સંદીપ સિંહ વર્લ્ડ કપ રમવા નિકળેલા ત્યારે ટ્રેનમાં તેમની પાછળ બેઠેલા સૈનિકની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી. આ ગોળી સંદીપની કરોડરજ્જુમાં ઘૂસી ગઈ અને સંદીપનું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું. સંદીપ બચે એમ જ નહોતો પણ ડોક્ટરોએ તેને બચાવ્યો પછી સંદીપે ભારતીય ટીમમાં પાછા ફરવાનનો નિશ્ચય કર્યો. મક્કમ મનોબળથી લકવામાંથી બહાર આવીને સંદીપ ફરી ભારત માટે રમ્યો તેની કહાની કહેતી ‘સૂરમા’ ફિલ્મમાં  દિલજીત દોસાંજે સંદીપની ભૂમિકા કરી હતી.

ભારતના સૌથી નાના દોડવીર બુધિયા સિંહના જીવન પરથી બનેલી ‘બુધિયા સિંહઃ બોર્ન ટુ રન’ પણ સરસ મૂવી છે. મયૂર પટોળેએ બુધિયાની અને તેના કોચ બિરંચી દાસની ભૂમિકા મનોજ વાજપેયીએ ભજવી હતી. માત્ર 5 વર્ષની નાની વયે દોડવાની શરૂઆત કરનારો બુધિયાના માતા-પિતા સાવ ગરીબ હતાં. કોચ બિરંચી દાસે તેની ટેલેન્ટને ઓળખીને તેને પ્રોત્સાહન આપ્યું હતું. મેરેથોન રનર તરીકે નામના મેળવનારા બુધિયા પરની ફિલ્મ પણ દર્શકોને બહુ ગમી હતી.

હોકી પરની જ બીજી સુંદર ફિલ્મ ‘ગોલ્ડ’ છે. 2018માં રીલીઝ થયેલી ‘ગોલ્ડ’ આઝાદ ભારતે હોકીમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો તેના માટે કોચ તપન દાસે કરેલા સંઘર્ષની કથા છે. ભારતે 1936માં જર્મનીના બર્લિનમાં હોકીમાં ગોલ્ડ જીત્યો ત્યારે બ્રિટનનું રાષ્ટ્રગીત વગાડાયું હતું. તપન દાસની મહત્વાકાંક્ષા એલિમ્પિક ગેમ્સમાં ભારતનું રાષ્ટ્રગીત વાગે એ હતી. ભાગલા પછી વેરવિખેર થઈ ગયેલી ભારતીય હોકીને દાસે કઈ રીતે સંગઠિત કરીને વર્લ્ડ ચેમ્પિયન ટીમ બનાવી તેની અદભૂત કથા ‘ગોલ્ડ’માં છે. અક્ષય કુમારે કોચ તપન દાસની ભૂમિકા ભજવી હતી.

‘સાંડ કી આંખ’ મૂવીને પણ દર્શકોએ વખાણી હતી. મોટી ઉંમરે શૂટિંગમા રસ જાગતાં પ્રેક્ટિસ કરીને મહારત હાંસલ કરનારી દેરાણી-જેઠાણી ચંદ્રા તોમર અને પ્રાકશી તોમરની કહાની કહેતી ‘સાંડ કી આંખ’ હળવી માવજતના કારણે જોવા જેવી ફિલ્મ બની હતી. તાપસી પન્નુ અને ભૂમિ પેંડણેકરની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મે વિવેચકોને પણ ખુશ કરી દીધા હતા.

આ યાદીમાં ‘ચક દે ઈન્ડિયા’ પણ આવે.

‘ચક દે ઈન્ડિયા’ સંપૂર્ણપણે વાસ્તવિકતા પર આધારિત ફિલ્મ નથી પણ વાસ્તવિકતા અને કલ્પનાશક્તિનું મિશ્રણ છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમની હારને આધાર બનેલી ‘ચક દે ઈન્ડિયા’ શાહરૂખના જોરદાર અભિનયના કારણે સૌને યાદ છે. એક સરસ વિષયને હળવા અંદાજમાં રજૂ કરીને નિર્દેશકે યાદગાર ફિલ્મ બનાવી હતી. ભારતમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મોમાં ‘દંગલ’ને ટક્કર આપે એવી કોઈ ફિલ્મ હોય તો એ ‘ચક દે ઈન્ડિયા’ છે.

////////////////////

ભારતને ગૌરવ અપનાવારા સ્પોર્ટ્સપર્સન્સ પર પણ ઘણી રીયલ લાઈફ સ્પોર્ટ્સ ડ્રામા મૂવી બની છે.

સાઈના (2021), એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી (2016), અઝહર (2016), મેરી કોમ (2014), સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ (2017) વગેરે આ કેટેગરીની ફિલ્મો છે. આ પૈકી સચિનઃ અ બિલિયન ડ્રીમ્સને બાદ કરતાં બાકીની ટીપિકલ બોલીવુડ ડ્રામા મૂવીઝ છે. સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ બ્રિટિશ ડિરેક્ટરે બનાવેલી ફિલ્મ હોવાથી અલગ જ પ્રકારની ફિલ્મ બની હતી. સચિન રમ્યો હતો એ મેચોના ઓરિજિનલ રેકોર્ડિંગ્સ અને વાસ્તવિક જીવનનાં પાત્રોના ઈન્ટરવ્યૂઝના કારણે ફિલ્મ અલગ જ છાપ છોડી ગઈ હતી.

આ સિવાયની બાકીની ફિલ્મોમાં બોલીવુડ મસાલા ભરી દેવાયા. તેના કારણે આ ફિલ્મોમાં ઘમું બધું અવાસ્તવિક લાગે એવું ઉમેરાઈ ગયું. આ પૈકી કેટલીક ફિલ્મો ચાલી, કેટલીક ના ચાલી પણ કોઈ ફિલ્મ યાદગાર ન બની શકી.

આપણા મહાન ખેલાડીઓ પરની આ ફિલ્મો આવી અને લોકો ભૂલી ગયાં. ‘દંગલ’ કે ‘ચક દે ઈન્ડિયા’ની જેમ ક્લાસિક કલ્ટ કહેવાય એવી કોઈ ફિલ્મ ના બની શકી.

////////////////////

બોલીવુડમાં ઘણી યાદગાર ફિક્શન સ્પોર્ટ્સ ડ્રામા મૂવી પણ આવી છે.

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ‘લગાન’નું આવે.

અગેઈન આમીર ખાન.

આશુતોષ ગોવારીકર નિર્દેશિત ‘લગાન’માં ‘લગાન’ એટલે કે ખેતી પરનો મહેસૂલી કર માફ કરાવવા માટે અંગ્રેજો સામે ક્રિકેટ મેચનું આયોજન કરતા ગ્રામીણ વિસ્તારનાં લોકોની રસપ્રદ કથા રજૂ કરાઈ હતી. આમીર ખાને ભુવન તરીકે જાનદાર અભિનય આપેલો. એ.આર. રહેમાનના સંગીતના કારણે પણ આ ફિલ્મ યાદગાર બની ગઈ. લગભગ ત્રણ કલાક લાંબી હોવા છતાં ‘લગાન’ને લોકોએ પ્રેમથી જોઈ હતી. વિવેચકોએ આ ફિલ્મને વખાણી હતી. ઓસ્કાર એવોર્ડમાં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થનારી ‘લગાન’ બોલીવુડના ઈતિહાસની શ્રેષ્ઠ ફિક્શન સ્પોર્ટ્સ મૂવી છે તેમાં કોઈ શક નથી.

‘લગાન’ની તોલે કોઈ ના આવે પણ બીજી પણ ઘણી મનોરંજક અને યાદગાર ફિક્શન સ્પોર્ટ્સ મૂવી બોલીવુડમાં બની છે. સલમાન ખાનની સુલતાન, ધર્મેન્દ્ર-સન્ની-બોબીની દેઓલ ત્રિપુટીની અપને, તાપસી પન્નુની રશ્મિ રોકેટ, આમીર ખાનની જો જીતા વો હી સિકંદર, રાજકિરણની હિપ હિપ હુર્રે, નસીરુદ્દીન શાહ-શ્રેયસ તળપદેની ઈકબાલ, ઈમરાન હાશ્મીની જન્નત, વિનિત કુમાર સિંહની મુક્કાબાઝ, ફરહાન અખ્તરની તૂફાન વગેરે આ યાદીમાં આવતી ફિલ્મો છે. બીજી સંખ્યાબંધ એવી ફિલ્મો પણ આવી કે જે કોઈને યાદ નથી ને તેમનો ઉલ્લેખ કરવા જેવો પણ નથી.

‘83’ દંબગ કે ચક દે ઈન્ડિયાની જેમ કલ્ટ ક્લાસિક ગણાશે કે નહીં એ સમય કહેશે પણ યાદગાર ફિલ્મોની કેટેગરીમાં તો ગણાશે જ.