અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ધરતીના પેટાળમાં સતત થઈ રહેલી હલચલને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં છેલ્લા ૩૦ કલાકની અંદર નાના-મોટા ભૂકંપના કુલ ૧૪ જેટલા આંચકા અનુભવાયા છે. એકસાથે આટલા બધા આંચકાઓ આવતા સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ગાંધીનગર સ્થિતિ સિસ્મોલોજી વિભાગે પણ આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરી ડેટા જાહેર કર્યો છે.
સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ, રાત્રિના અંધકારમાં પણ ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો હતો. રાત્રે ૧ઃ૧૪ મિનિટે ૩.૦ ની તીવ્રતાનો એક મોટો આંચકો આવતા મીઠી ઊંઘ માણી રહેલા ગ્રામજનો સફાળા જાગી ગયા હતા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ રાત્રે ૧ઃ૩૭ કલાકે ૧.૧ ની તીવ્રતાનો અને સવારે ૮ઃ૫૮ વાગ્યે ફરી ૧.૫ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
મીતીયાળામાં ૮ એપ્રિલનો દિવસ લોકો માટે ભારે ડરામણો રહ્યો હતો. સવારના ભાગમાં જ એક પછી એક ૭ આંચકા નોંધાયા હતા, જેમાં ૩.૫૮ ની તીવ્રતાનો આંચકો સૌથી શક્તિશાળી હતોઃ
સમય તીવ્રતા
વહેલી સવારે ૦૪ઃ૧૫ વાગ્યે ૮ ની તીવ્રતા
વહેલી સવારે ૦૪ઃ૧૬ વાગ્યે ૩ ની તીવ્રતા
વહેલી સવારે ૦૪ઃ૨૪ વાગ્યે ૦ ની તીવ્રતા
વહેલી સવારે ૦૪ઃ૫૭ વાગ્યે ૪ ની તીવ્રતા
સવારે ૦૭ઃ૦૦ વાગ્યે ૨ ની તીવ્રતા
સવારે ૦૭ઃ૧૫ વાગ્યે ૫૮ ની તીવ્રતા (સૌથી મોટો આંચકો)
સવારે ૦૭ઃ૫૧ વાગ્યે ૫ ની તીવ્રતા
આ ભૂકંપની અસર માત્ર મીતીયાળા પૂરતી સીમિત રહી ન હતી. ધરતીમાં થતા કંપનની અસર આસપાસના ગામો જેવા કે ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળામાં પણ વર્તાઈ હતી. અવિરતપણે આવી રહેલા આ આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં એટલો ભય વ્યાપી ગયો છે કે, લોકો પોતાના પાકા મકાનોમાં જતાં ડરી રહ્યા છે અને સુરક્ષાના કારણોસર ઘરની બહાર ખુલ્લા મેદાનમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.









































