આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે હાઈકોર્ટમાં રૂબરૂ હાજર થયા. તેમણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટગેશન દ્વારા દાખલ કરાયેલી અરજી સંબંધિત કેસની સુનાવણીમાંથી જસ્ટીસ સ્વરણ કાંતા શર્માને દૂર કરવાની માંગ કરી હતી. આ કેસની સુનાવણી ૧૩ એપ્રિલે થશે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટગેશન દ્વારા દારૂ નીતિ કેસમાં કેજરીવાલ અને અન્ય તમામ આરોપીઓને મુક્ત કરવાને પડકારવામાં આવ્યો છે. જસ્ટસ શર્માએ કેજરીવાલની અરજી રેકોર્ડ પર લીધી અને સુનાવણી માટે તારીખ નક્કી કરી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટગેશન વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા.
સુનાવણી પછી દિલ્હી હાઇકોર્ટના પરિસરમાં મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે મામલો કોર્ટમાં છે, તેથી હું અહીં કંઈ કહેવા માંગતો નથી. સોમવારે બપોરે ૨ઃ૩૦ વાગ્યે આ જ બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવશે. હું પોતે મારો કેસ રજૂ કરીશ.
તેમણે કહ્યું કે કોર્ટ નાટક માટેનો મંચ નથી. મહેતાએ કેજરીવાલની અરજીનો સખત વિરોધ કર્યો, તેમના આરોપોને વ્યર્થ અને તિરસ્કારપૂર્ણ ગણાવ્યા. મહેતાએ એ પણ નિર્દેશ કર્યો કે નિર્દોષ જાહેર કરાયેલા સાત અન્ય આરોપીઓએ પણ ન્યાયાધીશને હટાવવાની માંગ કરતી અરજીઓ દાખલ કરી છે. ન્યાયાધીશ શર્માએ કહ્યું કે જા કોઈ અન્ય અરજી દાખલ કરવા માંગે છે, તો તેઓ આમ કરી શકે છે, જેથી તે આ મામલાનો કાયમ માટે નિર્ણય લઈ શકે.
૨૭ ફેબ્રુઆરીના રોજ, ટ્રાયલ કોર્ટે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય ૨૧ લોકોને નિર્દોષ જાહેર કર્યા. નીચલી અદાલતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટગેશનને ઠપકો આપતા કહ્યું કે તેનો કેસ ન્યાયિક તપાસમાં ટકી શકતો નથી અને તે સંપૂર્ણપણે અવિશ્વસનીય હોવાનું જણાયું.
૯ માર્ચના રોજ, ન્યાયાધીશ શર્માએ સીબીઆઈની અરજી પર તમામ ૨૩ આરોપીઓને નોટિસ જારી કરી. તેમણે જણાવ્યું હતું કે આરોપો ઘડવા પર નીચલી અદાલતના કેટલાક અવલોકનો ભૂલભરેલા જણાયા. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાયે કેજરીવાલની વિનંતીને નકારી કાઢી. તેમણે કહ્યું કે ન્યાયાધીશને દૂર કરવાનો નિર્ણય સંબંધિત ન્યાયાધીશનો છે. ૧૧ માર્ચે, કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ આશંકા વ્યક્ત કરી હતી કે સુનાવણી ન્યાયી નહીં હોય.